ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

25 September, 2021 10:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉરીમાં ગુપ્તચરોની મહત્ત્વની બાતમીથી ફરી હાઈ અલર્ટ; ઉત્તર પ્રદેશમાં બીજેપીની નિશાદ પાર્ટી સાથે યુતિ; અને વધુ સમાચાર

શિમલામાં શિલા પડતાં બે જણને ઈજા - હિમાચલ પ્રદેશના શિમલામાં શોઘી નજીક શિમલા-કાલકા નૅશનલ હાઇવે-નંબર પાંચ ઉપર ગઈ કાલે હિલટૉપ પરથી પ્રચંડ શિલા પડતાં વાહનને નુકસાન થયું હતું અને ઘણી વાર સુધી રસ્તો બંધ રહ્યો હતો. નુકસાન પામેલી કારમાં બેઠેલા બે જણને ગંભીર ઈજા થઈ હતી. (તસવીર : પી.ટી.આઇ.)

પાટનગર દિલ્હીની કોર્ટમાં મોસ્ટ વૉન્ટેડ ગૅન્ગસ્ટર ગોગીની હત્યા

દિલ્હીમાં રોહિણી કોર્ટની અંદર શૂટઆઉટ થતાં પૉઝિશન લઈ રહેલા સિક્યોરિટી ગાર્ડ્સ અને પોલીસ. (તસવીર : પી.ટી.આઇ.)

ગૅન્ગસ્ટર ગોગી પર ગોળીબાર થયા બાદ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. (તસવીર : પી.ટી.આઇ.)

નવી દિલ્હી : કારાવાસ ભોગવી રહેલા દિલ્હીના ટોચના ગૅન્ગસ્ટર જિતેન્દર ગોગીનું ગઈ કાલે અહીંની રોહિણી કોર્ટમાં થયેલા શૂટઆઉટમાં મોત થયું હતું. બે હુમલાખોરો વકીલના વેશમાં અદાલતમાં આવ્યા હતા અને તેમણે પોલીસના કબજા હેઠળના ગોગી પર ગોળી વરસાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે સામેથી પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું જેમાં બન્ને હુમલાખોરો માર્યા ગયા હતા. રાહુલ અને મરીશ નામના આ હુમલાખોરો ટિલ્લુ ગૅન્ગ તથા નવીન બાલી ગૅન્ગના હોવાનું મનાય છે. સામસામા ગોળીબારમાં એક મહિલા વકીલને ઈજા પહોંચી હતી.

 

ઉરીમાં ગુપ્તચરોની મહત્ત્વની બાતમીથી ફરી હાઈ અલર્ટ

ઉરી : કાશ્મીરના ઉરીમાં આવેલાં લશ્કરી મથકો તથા સરકારી ઇમારતો પર આતંકવાદીઓએ ફરી ત્રાટકવાની યોજના ઘડી હોવાની ગુપ્તચરોને બાતમી મળતાં આખા ક્ષેત્રમાં સલામતી વધુ કડક બનાવાઈ છે. ભાગતા-ફરતા કેટલાક ઉગ્રવાદીઓ આ હુમલા કરી શકે એવી ભારતીય લશ્કરની ધારણા છે.

 

પ્રયાગરાજમાં લૂંટના ઇરાદાથી માતા-પુત્રીની હત્યા

પ્રયાગરાજ : પ્રયાગરાજના નવાબગંજ પોલીસ સર્કલ વિસ્તારમાં ગઈ કાલે સવારે અજાણ્યા માણસોએ એક મહિલા અને તેની દીકરીની હત્યા કરી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘરમાં તમામ ચીજો વેરવિખેર પડેલી હતી એ જોતાં પ્રથમદર્શી રીતે આ કેસ લૂંટ અને હત્યાનો લાગે છે. હત્યારાએ જોકે એક વર્ષના બાળકને જીવિત છોડ્યો હતો.

 

ઉત્તર પ્રદેશમાં બીજેપીની નિશાદ પાર્ટી સાથે યુતિ

ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે બીજેપીએ રાજ્યમાં નિશાદ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. ઉત્તર પ્રદેશ માટે પક્ષના ઇન્ચાર્જ એવા કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે આ યુતિ વિધાનસભાની આગામી ચૂંટણીમાં બીજેપીની સ્થિતિ વધુ મજબૂત બનાવશે. અપના દલ પછી હવે નિશાદ પાર્ટી પણ તેમની સહયોગી પાર્ટી છે.

 

નીમાબહેન ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા સ્પીકર બનવાની તૈયારીમાં

અમદાવાદ : ગુજરાત બીજેપીનાં વરિષ્ઠ વિધાનસભ્ય નીમાબહેન આચાર્ય ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા સ્પીકર બનવાની તૈયારીમાં છે, કારણ કે વિપક્ષી કૉન્ગ્રેસે આ હોદ્દા માટે તેમની ઉમેદવારીને ટેકો આપ્યો છે. ૨૭-૨૮ સપ્ટેમ્બરે બે દિવસ માટે વિધાનસભાની બેઠક યોજાશે ત્યારે નીમાબહેન બિનહરીફ ચૂંટાઈ આવશે અેવી શક્યતા છે. અગાઉના અધ્યક્ષ રાજેન્દ્ર િત્રવેદી ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં સામેલ કરાયા છે.

 

નવેમ્બરમાં વિદેશી પ્રવાસીઓ માટે અમેરિકાના દરવાજા ફરી ખુલ્લા

નવી દિલ્હી : કોરોનાની મહામારીમાં જેમની આજીવિકા પ્રવાસીઓની મદદથી જ ચાલે છે તેમને સૌથી વધુ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં અમેરિકા ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ન્યુ યૉર્ક સહિતના પ્રવાસન વિસ્તારો શોધવા જઈ રહ્યું છે જેથી અમેરિકાની અર્થવ્યવસ્થાને વેગ મળી શકે. લાંબી રાહ જોયા બાદ અમેરિકા વિદેશી પ્રવાસીઓ માટે એના દરવાજા ખોલવા જઈ રહ્યું છે.

અમેરિકા નવેમ્બરના પ્રથમ સપ્તાહથી એનાં મોટા ભાગનાં ઍરપોર્ટ પરથી વિદેશી ફ્લાઇટ્સ શરૂ કરશે. ભલે અમેરિકા વિદેશી પ્રવાસીઓ માટે એના દરવાજા ખોલવા જઈ રહ્યું હોય પરંતુ માત્ર એ જ લોકો જેમણે રસીના બન્ને ડોઝ લીધા છે તેઓ જ અમેરિકા મુસાફરી કરી શકશે.

 

ફાંસી, હાથ-પગ કાપી નાખવાની સજા અપાશે જ : તાલિબાન

કાબુલ : અફઘાનિસ્તાનના નવા શાસક તાલિબાનના સ્થાપક નેતા મુલ્લા નૂરુદ્દીન તુરાબીએ એક સમાચાર સંસ્થાને મુલાકાતમાં કહ્યું છે કે ‘આંતરરાષ્ટ્રીય સમુદાય અમારા નિયમોમાં માથું ન મારે તો સારું. અમે ક્યારેય કોઈના નિયમો વિશે કંઈ બોલતા નથી. બાકી અમે અફઘાનિસ્તાનમાં કાયદાને કડક બનાવી ગંભીર ગુનેગારોને ફાંસી આપવાની કે તેમના હાથ અથવા પગ કાપી નાખવાની સજા પાછી લાવવાના જ છીએ.’

national news international news