ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

21 September, 2021 10:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બિહારમાં તાવથી મહિનામાં ૪૫ બાળકોનાં મૃત્યુ; કલકત્તામાં વરસાદે તોડ્યો ૧૩ વર્ષનો રેકૉર્ડ; નાગાલૅન્ડમાં મોટું રાજકીય પરિવર્તન અને વધુ સમાચાર

તસવીર : પી.ટી.આઇ.

ભૂપેન્દ્ર પટેલે મોદી અને અમિત શાહને સીમંધર સ્વામીની મૂર્તિ ભેટ આપી

તસવીર : પી.ટી.આઇ.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ગઈ કાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને તેમને સીમંધર સ્વામીની મૂર્તિ ભેટમાં આપી હતી. પછીથી પટેલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલ સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને તેમને દાદા ભગવાનનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેઓ ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુને પણ મળ્યા હતા.

 

બીજેપીના નેતાના સર્ટિફિકેટમાં લખાયું હતું, ‘તમે પાંચ ડોઝ લઈ લીધા અને છઠ્ઠો બુક થયો છે’

નવી દિલ્હી : મેરઠના સરધના ખાતે બૂથ-નંબર ૭૯ના બીજેપીના અધ્યક્ષ રામપાલ સિંહ હિન્દુ યુવાવાહિનીના નેતા પણ છે. તેમણે પોતાનું વૅક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું તો એમાં તેમને કોરોના વૅક્સિનના પાંચ ડોઝ અપાઈ ચૂક્યા હોવાનું અને છઠ્ઠો ડોઝ બુક થઈ ચૂક્યો હોવાનું જણાવાયું હતું. તેમણે સ્વાસ્થ્ય વિભાગ પર બેદરકારીનો આક્ષેપ કરીને કેસ નોંધાવ્યો છે અને હાલ આ મુદ્દે તપાસ શરૂ થઈ ગઈ છે.

રામપાલ સિંહના કહેવા પ્રમાણે તેમણે ૧૬ માર્ચે વૅક્સિનનો પહેલો અને ૮ મેએ બીજો ડોઝ લીધો હતો. પરંતુ જ્યારે તેમણે સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું ત્યારે એમાં પાંચ ડોઝ દેખાઈ રહ્યા છે અને છઠ્ઠા ડોઝ માટે ડિસેમ્બર ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીનો સમય દેખાઈ રહ્યો છે. સર્ટિફિકેટ પ્રમાણે રામપાલને ત્રીજો અને ચોથો ડોઝ ૧૫ મે, પાંચમો ડોઝ ૧૫ સપ્ટેમ્બરે લગાવાયો છે.

પ્રાથમિક દૃષ્ટિએ આ કેસ કોઈ ષડયંત્ર કે ટીખળનો જણાઈ રહ્યો છે. એવું લાગે છે કે કેટલાંક શરારતી તત્ત્વોએ પોર્ટલ હૅક કરીને આવું કર્યું છે.

 

બિહારમાં તાવથી મહિનામાં ૪૫ બાળકોનાં મૃત્યુ

પટના : બિહાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક મહિનામાં ચેપી તાવની બીમારી ફેલાઈ છે જેમાં ૪૫ જેટલાં બાળકો મૃત્યુ પામ્યાં છે. ઉત્તર બિહારમાં ગોપાલગંજ જિલ્લાની સરદાર હૉસ્પિટલમાં દરરોજ પચીસથી વધુ નવજાત શિશુઓને તાવની બીમારીને કારણે દાખલ કરવામાં આવે છે. બાળકોમાં તાવ ફેલાવાની ઘટના ખાસ કરીને મુઝફ્ફરપુર, સિવાન, સરન, વેસ્ટ ચંપારણ, સીતામઢી, દરભંગા, પટના, ગયા તથા પુરનિયા જિલ્લામાં બની છે.

 

કલકત્તામાં વરસાદે તોડ્યો ૧૩ વર્ષનો રેકૉર્ડ

કલકત્તા : કલકત્તામાં ગઈ કાલે વહેલી સવારથી સતત વરસાદ પડ્યો હતો જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લાં ૧૩ વર્ષનો સૌથી વધુ છે જેને કારણે ઘણાબધા વિસ્તારોમાંપાણી ભરાઈ ગયાં હતાં તેમ જ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. કલકત્તામાં ગઈ કાલે સવારના ૮.૩૦ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ મિમી (આશરે ૬ ઇંચ) વરસાદ પડ્યો હતો. રાતના ૧થી સવારના સાત વાગ્યા દરમ્યાન જ ૧૦૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો. અગાઉ ૨૦૦૭ની ૨૫ સપ્ટેમ્બરે ૧૭૪.૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

 

હિન્દુ ધર્મ પરનું જોખમ કાલ્પનિક : ગૃહ મંત્રાલય

નાગપુર : હિન્દુ ધર્મ ખતરામાં હોવાની માન્યતાને બીજેપીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે કાલ્પનિક ગણાવતાં હિન્દુ ધર્મ માટેની કથિત ધમકીઓ અને અન્ય માન્યતાઓ કે આશંકાઓને લગતા તમામ પ્રશ્નોનો અંત આણ્યો છે. નાગપુરના આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) કાર્યકર્તા મોહનીશ જબલપુરેએ ૩૧ ઑગસ્ટે કરેલી દેશમાં હિન્દુ ધર્મ પર મંડરાઈ રહેલા ખતરાની ધમકીના પુરાવાઓ માગતી પૂછપરછના જવાબમાં બીજેપી નેતા અમિત શાહના નેતૃત્વ હેઠળના ગૃહ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું હતું કે હિન્દુત્વ માટે કહેવાતી ધમકીઓ વિશે તેમની પાસે કોઈ પુરાવા કે રેકૉર્ડ નથી.

 

પાકિસ્તાનમાં મસ્જિદના નળમાંથી પાણી લેવા બદલ હિન્દુ પરિવાર પર અત્યાચાર

નવી દિલ્હી : પાકિસ્તાનના રહીમ યાર ખાન શહેરનો એક હિન્દુ પરિવાર મસ્જિદના નળમાંથી પાણી લેવાને કારણે તકલીફમાં આવ્યો હોવાનું પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. ગામના કેટલાક જમીનદારોએ તેમને સ્થળની પવિત્રતાનો ભંગ કરવા બદલ તેમને બંધક બનાવી તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો. આલમ રામ ભીલ તેમ જ તેની પત્ની અને અન્ય પરિવારજનો થોડા દિવસ પહેલાં ખેતરમાંથી કપાસ વીણીને એકઠું કરી રહ્યાં હતાં તે સમયે તેમણે પાણી પીવા માટે મસ્જિદના નળમાંથી પાણી લેતાં સ્થાનિક જમીનદાર અને તેમના માણસોએ તેમને માર માર્યો હતો. એકઠું કરેલું કપાસ ખાલી કરી ઘરે પાછા ફરી રહેલા પરિવારને બંધક બનાવી ફરીવાર તેમના પર અત્યાચાર ગુજારાયો હતો.

 

નાગાલૅન્ડમાં મોટું રાજકીય પરિવર્તન : કોઈ વિરોધ પક્ષ જ નહીં

કોહિમા : નાગાલૅન્ડમાં મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે. મોટા રાજકીય ફેરફાર કરવા માટે નાગાલૅન્ડની તમામ પાર્ટીઓએ ભેગા મળીને સરકાર ચલાવવાનો નિર્ણય કર્યો છે. નાગાલૅન્ડ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા તમામ રાજકીય પક્ષોએ શાસક પક્ષ અને તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે હાથ મિલાવીને કોહિમામાં સર્વપક્ષીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ આપ્યું. આ નવા મોરચાને હવે યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સ (યુડીએ) નામ આપવામાં આવ્યું છે.

 

રશિયામાં શૂટઆઉટ : વિદ્યાર્થીઓ બચવા માટે બિલ્ડિંગની બારીઓમાંથી કૂદ્યા

મૉસ્કો : રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીના પરિસરમાં ગઈ કાલે એક બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં લગભગ ૮ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ૨૪ જણ ઈજાગ્રસ્ત થયા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર ૨૪ ઈજાગ્રસ્તોમાંથી ૧૯ જણને ગંભીર પહોંચી હતી. હાલમાં ઘટનાસ્થળ પર ૨૫ મેડિકલ ટીમ મોકલવામાં આવી છે.

સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં વિદ્યાર્થીઓ શૂટરથી બચવા માટે યુનિવર્સિટીના ઉપલા માળની બારીમાંથી કૂદતાં પહેલાં સામાન ફેંકી રહેલા જોવા મળ્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસર ઈવાન પેચીશ્ચેવે જણાવ્યા અનુસાર તેઓ જ્યારે ક્લાસરૂમમાં પહોંચ્યા ત્યારે સ્ટુડન્ટ્સને બિલ્ડિંગમાંથી બહાર દોડી જતા તથા લોકોને બીજા માળેથી નીચે કૂદતા જોયા હતા. રશિયન ઇન્વેસ્ટિગેટિવ કમિટીએ જણાવ્યા અનુસાર એક સ્ટુડન્ટે સવારના સમયે યુનિવર્સિટી પરિસરમાં ગોળીબાર કર્યો હતો. શૂટરની ધરપકડ કરવામાં આવી છે.

national news international news