ન્યુઝ શોર્ટમાં : જો બાઇડને અંજલિ ચતુર્વેદીને મહત્ત્વના પદ માટે નૉમિનેટ કર્યાં

24 June, 2022 08:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઈડીએ સોનિયા ગાંધીને જુલાઈના અંતમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવા કહ્યું; વેસ્ટ વર્જિનિયામાં હેલિકૉપ્ટર ક્રેશ થતાં છ વ્યક્તિનાં મૃત્યુ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

બિહારના ગામમાં મંદિરમાં તોડફોડ

અરરિયા : બિહારના અરરિયા જિલ્લામાં અજાણ્યા લોકોએ એક મંદિરમાં મૂર્તિ તોડી નાખી હતી અને એના પ્રિમાઇસિસમાં એક ધ્વજ પણ લહેરાવતાં ગઈ કાલે અહીં તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી. આ ધ્વજ પર બીજા જ ધર્મને સંબંધિત લખાણ હતું. રામપુર કોકાપત્તી પંચાયત એરિયાના એક ગામમાં બનેલી આ ઘટના બાદ બીજેપીના સંસદસભ્ય પ્રદીપ કુમાર સિંહે રોષની લાગણી વ્યક્ત કરી હતી અને દોષિતોને સજા આપવા માટે વહીવટીતંત્રને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર પુષ્કર કુમારે જણાવ્યું હતું કે લક્ષ્મીનારાયણ મંદિરમાં બનેલી આ ઘટના બદલ અજાણ્યા લોકોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. આ ગામમાં શાંતિ સ્થાપવા માટે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી છે. 

 

ઈડીએ સોનિયા ગાંધીને જુલાઈના અંતમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવા કહ્યું

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને ‘નૅશનલ હેરાલ્ડ’ ન્યુઝપેપર સંબંધિત મની-લૉન્ડરિંગના એક કેસમાં જુલાઈના અંતમાં તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવાનું જણાવ્યું છે. આ પહેલાં તેમને ૨૩ જૂને ઈડી સમક્ષ હાજર થવા માટે બીજું સમન્સ બજાવવામાં આવ્યું હતું, પણ કૉન્ગ્રેસનાં આ નેતાની કોરોના અને ત્યાર બાદ ફેફસાંમાં ઇન્ફેક્શનને કારણે તબિયત ખરાબ હોવાથી તેઓ એ દિવસે હાજર નહોતાં થઈ શક્યાં. હવે તેમને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં હાજર થવા માટે કહેવાયું છે. આ પહેલાં રાહુલ ગાંધીની પણ પૂછપરછ થઈ છે. 

 

રુપર્ટ મુર્ડોક અને જેરી હૉલના ડિવૉર્સ થશે

વૉશિંગ્ટન : મીડિયા-ટાઇકૂન રુપર્ટ મુર્ડોક અને અભિનેત્રી જેરી હૉલના ડિવૉર્સ થવા જઈ રહ્યા છે. ૯૧ વર્ષના મુર્ડોકના આ ચોથા ડિવૉર્સ હશે. જેરીએ આ પહેલાં ઇંગ્લિશ રૉક બૅન્ડ રોલિંગ સ્ટોન્સના મેમ્બર મિક જૅગરની સાથે મૅરેજ કર્યાં હતાં. મુર્ડોક અને જેરીએ ૨૦૧૬માં લંડનના એક મહેલમાં મૅરેજ કર્યાં હતાં. આ પરિવારથી નિકટના લોકોને તેઓ અલગ થઈ રહ્યા છે એ વાત જાણીને આશ્ચર્ય થઈ રહ્યું છે. મુર્ડોકે તેમના મૅરેજના સમયે ટ્વિટર પર જાહેર કર્યું હતું કે તેઓ દુનિયાના સૌથી લકી અને હૅપી મૅન છે. મુર્ડોકે આ પહેલાં ઑસ્ટ્રેલિયન ફ્લાઇટ અટેન્ડન્ટ પેટ્રિસિયા બૂકર, સ્કોટિશમાં જન્મેલી પત્રકાર એના મન્ન તેમ જ ચીનમાં જન્મેલી ઑન્ત્રપ્રનર વેન્ડી ડેંગની સાથે મૅરેજ કર્યા હતા.

 

વેસ્ટ વર્જિનિયામાં હેલિકૉપ્ટર ક્રેશ થતાં છ વ્યક્તિનાં મૃત્યુ

લોગાન : અમેરિકન સ્ટેટ વેસ્ટ વર્જિનિયામાં બુધવારે હેલિકૉપ્ટર ક્રેશ થતાં ૬ વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વિયેટનામ કાળના આ હેલિકૉપ્ટરનો ઉપયોગ પ્રવાસન માટે કરવામાં આવતો હતો. લોગાન કાઉન્ટીના ઇમર્જન્સી મૅનેજમેન્ટ વિભાગના વડા રે બ્રાયન્ટે જણાવ્યું હતું કે એમાં સવાર તમામ ૬ જણનાં મૃત્યુ થયાં હતાં. નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એ અકસ્માતની તપાસ કરશે. બેલ યુએચ-1બી હેલિકૉપ્ટર સાંજે પાંચ વાગ્યાની આસપાસ લોગાન કાઉન્ટીમાં રૂટ ૧૭ નજીક ક્રૅશ થયું હતું. 

 

જો બાઇડને અંજલિ ચતુર્વેદીને મહત્ત્વના પદ માટે નૉમિનેટ કર્યાં

વૉશિંગ્ટન : અમેરિકી  પ્રમુખ જો બાઇડને અગ્રણી ભારતીય-અમેરિકન કાનૂની નિષ્ણાત અંજલિ ચતુર્વેદીને વેટરન્સ અફેર્સ ડિપાર્ટમેન્ટમાં જનરલ કાઉન્સેલ તરીકે નૉમિનેટ  કર્યાં છે. વાઇટ હાઉસની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર અંજલિ ચતુર્વેદી યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના ક્રિમિનલ ડિવિઝનમાં ડેપ્યુટી અસિસ્ટન્ટ ઍટર્ની જનરલ છે. વેટરન્સ અફેર્સ ડિપાર્ટમેન્ટનું મુખ્ય કાર્ય કરુણા, પ્રતિબદ્ધતા, શ્રેષ્ઠતા, વ્યાવસાયિકતા, અખંડિતતા, જવાબદારી અને કામગીરીનાં ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીને અનુભવીઓને તેમણે મેળવેલા વિશ્વ કક્ષાના લાભ અને સેવાઓ પૂરી પાડવાનું છે. તેમની કારકિર્દી દરમિયાન અંજલિ ચતુર્વેદીએ સરકારી શાખાઓમાં કામ કરવા ઉપરાંત ખાનગી પ્રૅક્ટિસ કરી છે. 

national news international news