23 July, 2023 09:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યુપીના બિજનૌરમાં બસ પાણીમાં ફસાઈ
ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પાણીમાં ડૂબેલા રોડ પર એક બસ ફસાઈ ગઈ હતી. એ બસમાં ૨૪થી વધુ પૅસેન્જર્સ હતા. ક્રેનની મદદથી એ બસને પાણીમાંથી બહાર કાઢવાની પણ કોશિશ થઈ હતી. આખરે તે તમામ પૅસેન્જર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પટના : મણિપુર બાદ બિહારના બેગુસરાયમાં પણ એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક મ્યુઝિક ટીચર અને સગીર છોકરી વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા બાદ કેટલાક લોકોએ તેમને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ભયાનક ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં ત્રણ લોકો સગીર છોકરી અને માણસને નિર્વસ્ત્ર કરી મારતા જોવા મળી રહ્યા છે. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ યોગેન્દ્ર કુમારે કહ્યું કે માણસની ઓળખ ૪૦ વર્ષના મ્યુઝિક ટીચર તરીકે થઈ છે. પીડિતાની ફરિયાદના આધારે ટીચરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બન્નેનો વિડિયો વાઇરલ કરનાર અને તેમને નિર્વસ્ત્ર કરી માર મારનારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. તપાસમાં મહિલા પોલીસ અધિકારીને પણ સામેલ કરવામાં આવ્યાં છે.
નવી દિલ્હી : સમગ્ર દેશ અત્યારે મણિપુરમાં બે મહિલાને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાની ઘટના પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળ અને નવી દિલ્હીમાં બીજેપીની લીડરશિપે ગઈ કાલે આરોપ મૂક્યો હતો કે આ અઠવાડિયામાં પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બે મહિલાનાં કપડાં ઉતારવામાં આવ્યાં હતાં અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજેપીની આઇટી સેલના હેડ અમિત માલવિયે સોશ્યલ મીડિયા પર આ કથિત ઘટનાનો એક વિડિયો શૅર કર્યો હતો અને આ ઘટનાને લઈને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને ટાર્ગેટ કર્યા હતા. માલવિય અનુસાર આ ઘટના માલદાના પકુઅ હાટ એરિયામાં ૧૯ જુલાઈની સવારે બની હતી. આ બન્ને પીડિત મહિલા આદિવાસી છે. માલવિયે આરોપ મૂક્યો હતો કે તેમનાં કપડાં ઉતારવામાં આવતાં હતાં ત્યારે પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને ઊભી હતી. આ મહિલાઓ પર ચોરીનો આરોપ મૂકીને તેમને માર મરાયો હતો.
નવી દિલ્હી : ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સમગ્ર અમેરિકામાં મૂળ ભારતીયો તેમ જ અન્ય મૂળ એશિયન લોકો દ્વારા નજીકના ભવિષ્યમાં બિન-બાસમતી સફેદ ચોખા મેળવી નહીં શકાય એવા ડરના માર્યા એની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકારે જણાવ્યું હતું કે ભારતમાં બિન-બાસમતી સફેદ ચોખા પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહે અને એની કિંમતો કન્ટ્રોલમાં રહે એ માટે એની નિકાસ પર બૅન મૂકવામાં આવ્યો છે. આ બૅનના લીધે સમગ્ર અમેરિકાના સ્ટોર્સમાં બિન-બાસમતી સફેદ ચોખા ખરીદવા માટે લાંબી લાઇન્સ જોવા મળી રહી છે. અમેરિકામાંથી રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના સ્ટોર્સના શેલ્વ્સમાંથી તમામ પ્રકારની વેરાઇટીના ચોખા ફટાફટ ખાલી થઈ રહ્યા છે.