ન્યુઝ શોર્ટમાં : ઝારખંડમાં બસ બ્રિજ પરથી પડી જતાં છ જણનાં મૃત્યુ

18 September, 2022 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ, કેટલાંક ગામોમાં બીજેપીને નો-એન્ટ્રી અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ઝારખંડમાં બસ બ્રિજ પરથી પડી જતાં છ જણનાં મૃત્યુ

રાંચીઃ ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં ગઈ કાલે ૫૦ મુસાફરોને લઈ જતી એક બસ બ્રિજ પરથી પડી જવાને કારણે ઓછામાં ઓછા છ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કેટલાક લોકોને ઈજા થઈ હતી. ગિરિદિહ જિલ્લાથી રાંચી જતી બસ તતિજરિયા પોલીસ સ્ટેશન એરિયામાં એક બ્રિજની રેલિંગ તોડીને સિવન્ને નદીના સૂકા વિસ્તારમાં પડી હતી. પોલીસ સુપરિન્ટેડન્ટ મનોજ રતન ચોથેએ કહ્યું હતું કે ‘બે પૅસેન્જર્સનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણને હઝારીબાગમાં સદર હૉસ્પિટલમાં ડૉક્ટર્સે મૃત જાહેર કર્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાને કારણે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે એમ છે.’

 

લદાખ પર ચીન લડાઈની સ્થિતિમાં હતું, હવે ૩ કિલોમીટરની પીછેહઠ

નવી દિલ્હી : પૂર્વીય લદાખમાં ગોગરા-હૉટ સ્પ્રિન્ગ્સમાં વાસ્તવિક અંકુશરેખા પર ચીનના સૈનિકોએ પચાવી પાડેલી પોઝિશન પરથી તેમણે ત્રણ કિલોમીટર પીછેહઠ કરી હોવાનું નવી સૅટેલાઇટ ઇમેજિસથી કન્ફર્મ થાય છે. ભારત અને ચીન વચ્ચે સેનાને પાછી બોલાવવાના મામલે પરસ્પર સંમતિ બાદ આ પીછેહઠ થઈ છે. ૨૦૨૦માં વાસ્તવિક અંકુશરેખાની પાસે જે એરિયામાં ઇન્ડિયન આર્મી પૅટ્રોલિંગ કરતી હતી ત્યાં આ પીછેહઠના ભાગરૂપે મુખ્ય થાણાને ચાઇનીઝ આર્મીએ તોડી પાડ્યું હતું. આ ઇમેજિસથી ખ્યાલ આવે છે કે ચીનનો અહીં મોટો બેઝ હતો અને એ લડાઈની સ્થિતિમાં હતું. 

 

નેપાલમાં ભેખડ ખસી : ૧૭નાં મૃત્યુ

કાઠમાંડુ : ભારે વરસાદને કારણે પશ્ચિમી નેપાલમાં જમીન ધસી પડવાના બનાવોમાં લગભગ ૧૭ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે આવેલા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત નેપાલના અચ્છમ જિલ્લાના સુદુરપશ્ચિમ પ્રાંતના વિવિધ હિસ્સાઓમાં જમીન ધસી પડવાની ઘટનાઓ બની હતી.  આ હોનારતને કારણે સાત જિલ્લાને સાંકળતો ભીમદત્તા હાઇવે પરના વાહનવ્યવહારને અસર થઈ છે. 

 

વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ, કેટલાંક ગામોમાં બીજેપીને નો-એન્ટ્રી

અમદાવાદ : એસીબી દ્વારા ધરપકડ કરાયેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના બહાર આવી છે અને તેમની ધરપકડના વિરોધમાં ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોમાં બીજેપીના પ્રધાનો અને નેતાઓ માટે નો-એન્ટ્રી જાહેર કરીને વિરોધ નોંધાવ્યો છે. સોશ્યલ મીડિયામાં એનાં પોસ્ટર વાઇરલ થયાં હતાં. અર્બુદા સેનાનો આક્ષેપ છે કે વિપુલ ચૌધરીની ખોટા કેસમાં ધરપકડ થઈ છે.

 

national news international news