News In Short : પૂરમાં પણ ભગવાન કેમ ભુલાય

27 July, 2021 03:16 PM IST  |  New Delhi | Agency

આ રાજ્યનાં ભોપાલ તથા બીજાં શહેરોમાં પણ મેઘરાજા લાંબા બ્રેક બાદ ફરી ખૂબ સક્રિય થયા છે. રાજ્યમાં ઠેર-ઠેર પૂરનાં પાણીથી જનજીવન ખોરવાઈ ગયું છે.

રાજ્યમાં ઠેર-ઠેર પૂરનાં પાણીથી જનજીવન ખોરવાઈ ગયું છે.  પી.ટી.આઇ

મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર શહેરમાં ગઈ કાલે પૂરનાં પાણી વચ્ચે ભક્તોએ નર્મદા મંદિરમાં પૂજા અને આરતી કરી હતી. લોકો બોટમાં બેસીને મંદિર સુધી પહોંચ્યા હતા. આ રાજ્યનાં ભોપાલ તથા બીજાં શહેરોમાં પણ મેઘરાજા લાંબા બ્રેક બાદ ફરી ખૂબ સક્રિય થયા છે. રાજ્યમાં ઠેર-ઠેર પૂરનાં પાણીથી જનજીવન ખોરવાઈ ગયું છે.  પી.ટી.આઇ.

લોકસભા બે ખરડા પસાર કર્યા બાદ મોકૂફ

લોકસભામાં ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં વિપક્ષો દ્વારા નવા કૃષિ કાયદા અને સંભવિત પેગસસ જાસૂસી કાંડના મુદ્દે કરાયેલી ધાંધલધમાલને કારણે બે જ ખરડા પસાર કરી શકાયા છે. ગઈ કાલે આ બિલ પસાર થયા બાદ સભા આજ પર મોકૂફ રખાઈ હતી.
આ બે ખરડા આ મુજબના હતા : ફૅપ્ટરિંગ રેગ્યુલેશન (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ફૂડ ટેક્નૉલૉજી, ઑન્ટ્રપ્રનરશિપ અૅન્ડ મૅનેજમેન્ટ બિલ, ૨૦૨૧.
દરમ્યાન રાજ્યસભા ગઈ કાલે કથિત પેગસસ જાસૂસી કૌભાંડ તથા બીજા મુદ્દે ગૃહની કાર્યવાહીમાં વિપક્ષી દ્વારા વારંવાર ખલેલ પહોંચાડવાને કારણે છેવટે ગઈ કાલના દિવસ માટે મોકૂફ રખાઈ હતી.

અમદાવાદના વસ્ત્રાપુરમાં બે કરોડ રૂપિયાની  લૂંટનો પ્રયાસ : આરોપી પકડાયો

અમદાવાદ શહેરમાં ગઈ કાલે બપોર બાદ બે કરોડ રૂપિયાની લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખીને અઢી કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. મહેન્દ્ર સોમા પટેલની પેઢીનો કર્મચારી આ લૂંટારાનો ભોગ બન્યો હતો. લૂંટને અંજામ આપી ફરાર થતા લૂંટારાને નજીકમાં ઊભેલી વસ્ત્રાપુર પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
અઢી કરોડ રૂપિયાની લૂંટનાં સીસીટીવી કૅમેરા ફુટેજ સામે આવ્યાં છે, જેમાં એક ઍક્ટિવા પર બુકાનીધારી લૂંટારો આવે છે. આવીને રોડ પર ઊભેલી એક કારનો પાછળથી દરવાજો ખોલે છે અને એમાંથી રૂપિયા ભરેલો નાણાંનો થેલો લઈને નાસી છૂટે છે. ત્યારે જેવો ઍક્ટિવા પર લૂંટારો નાસવા જાય છે ત્યારે ત્યાં ગાડી પાસે ઊભેલો શખસ પાછળથી ઍક્ટિવા પકડી રાખે છે. દરમ્યાન બીજા લોકો પણ તેની પાછળ-પાછળ ભાગે છે. જોકે એ દરમ્યાન પોલીસ દોડી આવે છે અને લૂંટારોને પકડી પાડે છે.
એક મહિના અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરવા આવેલું દંપતી પકડાઈ ગયા બાદ તેઓ લૉકડાઉન અને ગરીબીની વાતો કરતાં હતાં, પરંતુ ખરેખર પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. આ મહિલાએ કોઈ મજબૂરીથી નહીં, પણ હાઈ-પ્રોફાઇલ લાઇફ-સ્ટાઇલ માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે તેની પાસે ૧૦૦થી વધુ બ્રૅન્ડેડ બૂટ-ચંપલ છે.

national news