News In Short : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સામેની વાંધા અરજીને SCએ ફગાવી દીધી

24 November, 2021 12:06 PM IST  |  New Delhi | Agency

‘સંબધિત અધિકારીઓ દ્વારા તમામ જાતનું સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે, જે જમીનના ઉપયોગમાં ફેરબદલ યોગ્ય છે. આ મામલે તપાસની કોઈ જરૂર નથી.’

સુપ્રીમ કૉર્ટ

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન પાર્ક તથા ગાર્ડનના લૅન્ડ યુઝ બદલવા સામે કરવામાં આવેલી અરજીને રદ કરી દીધી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ત્યાં કોઈ પ્રાઇવેટ પ્રૉપર્ટી બનાવવામાં નથી આવી રહી, પરંતુ ઉપરાષ્ટ્રપતિનું ઘર જ બનાવવામાં આવી રહ્યું છે તેથી ચારે તરફ હરિયાળી હશે. કોર્ટે કહ્યું હતું કે હવે લોકોને પૂછશું કે ક્યાં બનાવવામાં આવે ઉપરાષ્ટ્રપતિનું ઘર? સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે ‘સંબધિત અધિકારીઓ દ્વારા તમામ જાતનું સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે, જે જમીનના ઉપયોગમાં ફેરબદલ યોગ્ય છે. આ મામલે તપાસની કોઈ જરૂર નથી.’

દિલ્હીમાં ડ્રાઇવર વગરની મેટ્રો દોડશે

દિલ્હીમાં ડ્રાઇવર વગરની મેટ્રો સર્વિસ શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હીની ૫૭ કિલોમીટરની પીકલાઇન પર ર૫ નવેમ્બરે ડ્રાઇવર વગરની ટ્રેનસર્વિસનું ઉદ્ઘાટન થવાનું છે. હાઉસિંગ અૅન્ડ અર્બન અફેર્સના કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પૂરી અને દિલ્હીના ટ્રાન્સપોર્ટ પ્રધાન કૈલાશ ગેહલોટ વિડિયો કૉન્ફરન્સથી ઉદ્ઘાટન કરશે. ભારતની પહેલી ડ્રાઇવર વગરની ટ્રેન સર્વિસ દિલ્હી મેટ્રોની મેગ્નેટા લાઇન પર ગત વર્ષે શરૂ કરવામાં આવી હતી. દિલ્હી મેટ્રો સર્વિસ ર૦૦રમાં શરૂ થઈ હતી.

યુપીમાં ૩૫ ટકા એમએલએ સામે ક્રિમિનલ કેસ

અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા મંગળવારે ઉત્તર પ્રદેશના ૩૯૬ ધારાસભ્યોના સર્વેની વિગતો જાહેર કરાઈ હતી. આ રિપોર્ટમાં અપાયેલી વિગતો પ્રમાણે ૩૫ ટકા (૧૪૦) ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલા છે, જ્યારે ર૭ ટકા ધારાસભ્યો કોઈને કોઈ ગુના સાથે સંકળાયેલા છે. ૪૦૩ બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બીજેપીના ૩૦૪માંથી ૭૭ ધારાસભ્યો, સમાજવાદી પક્ષના ૪૯માંથી ૧૮ ધારાસભ્યો અને બહુજન સમાજવાદી પાર્ટીના બે અને કૉન્ગ્રેસના એક ધારાસભ્ય સામે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કેસ દાખલ કરવામાં આવેલા છે. કુલ ૯૫ ધારાસભ્યો ૧ર ધોરણથી ઓછું શિક્ષણ ધરાવે છે. ચાર ધારાસભ્યને માત્ર અક્ષરજ્ઞાન છે. 

વૅક્સિન સર્ટિફિકેટ પર નરેન્દ્ર મોદીના ફોટોને લઈને નોટિસ

કેરલા હાઈ કોર્ટે કોવિડ વૅક્સિન મુકાવનાર લોકોને મળનારા વૅક્સિનેશન સર્ટિફિકેટ પર વડા પ્રધાન મોદીનો ફોટો લગાવવા સામે કરેલી અરજીનો સ્વીકાર કર્યો છે. તેમ જ આ મામલે રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને એમનો જવાબ માગ્યો છે. અરજીકર્તાએ કહ્યું હતું કે વૅક્સિનેશન સર્ટિ​ફિકેટ પર વડા પ્રધાનનો ફોટો એના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે. આ પ્રકારના સર્ટિફિકેટ બનાવવા માટે એને વડા પ્રધાનના ફોટો વગરનું એક કોવિડ સર્ટિફિકેટ આપવામાં આવે. અરજીકર્તાનો મુખ્ય આરોપ હતો કે વૅક્સિનૅશન સર્ટિફિકેટ એની અંગત વાત છે, એમાં એના કેટલાક અધિકાર છે. 

પ્રાઇવેટ ઑપરેટર્સ ૧૫૦ ખાસ ટ્રેનનું સંચાલન કરી શકશે

રેલવે દ્વારા ગઈ કાલે ભારત ગૌરવ સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ ખાનગી ઑપરેટરો ૧૫૦ જેટલી ટ્રેનોના સંચાલન માટે અરજી આપી શકે છે. આ ટ્રેનોના રૂટ, ભાડાની કિંમત, સર્વિસની ક્વૉલિટી વગેરે બાબતો નક્કી કરવાની સત્તા ઑપરેટરને આપવામાં આવશે. કોઈ પણ ટ્રસ્ટ, સંસ્થા કે રાજ્ય સરકાર પણ આ માટે અરજી કરી શકે છે. ખાનગી ઑપરેટરો થીમ આધારિત આ ટ્રેનોને સ્પેશ્યલ સર્કિટમાં સંચાલિત કરી શકશે. થીમ આધારિત ટ્રેન સર્વિસોમાં ગુરુકૃપા ટ્રેન ગુરુનાનક સાથે સંકળાયેલાં સ્થળો પર જશે, જ્યારે રામાયણ ટ્રેન ભગવાન રામ સાથે જોડાયેલાં સ્થળો પર જશે. આ ટ્રેનો પ્રવાસીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનો પરિચય કરાવશે. ઑપરેટરોને બેથી દસ વર્ષ સુધી સર્વિસ સોંપી શકાશે. 

ફંગસના નવા સ્ટ્રેઇનથી દિલ્હીમાં બે જણનાં મોત

એઇમ્સના ડૉક્ટરોએ દિલ્હીમાં ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝના બે દરદીઓમાં એસ્પરગિલસ લેંટુલસ હોવાનો સ્વીકાર કર્યો છે. બન્નેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ ફંગસ ફેફસાંને સંક્રમિત કરે છે. જેના કારણે મરણાંકનો દર ઘણો ઊંચો છે. વિદેશમાં પણ આ વેરિઅન્ટના ઘણા કેસ આવ્યા છે. ભારતમાં આ સ્ટ્રેઇનનો આ પહેલો કેસ છે. મરનારમાં એકની ઉંમર ૫૦ વર્ષ તો બીજાની ૪૦ હતી. સારવાર છતાં સંક્રમણ ન ઘટતાં પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી એમને એઇમ્સમાં લવાયા હતા. મહિના સુધી સારવાર છતાં એમની હાલતમાં સુધારો થયો નહોતો.  કોરોનાની બીજી લહેર વખતે બ્લૅક ફંગસના ઘણા કેસ આવ્યા હતા.  

હવે કૃષિ કાયદાની તરફેણમાં ૧ લાખ ખેડૂતોને દિલ્હીમાં લાવવાની પૅનલના સભ્યની ચીમકી

કૃષિ કાયદા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી સમિતિના સભ્ય અનિલ ઘનવટે એમના દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટને ઝડપથી જાહેર કરવા માટે કોર્ટને પત્ર લખ્યો હતો તેમ જ જણાવ્યું હતું કે કૃષિમાં સુધારા કરનારા આ કાયદાની તરફેણમાં પણ દિલ્હીમાં એક લાખ કરતાં વધુ લોકોને ભેગા કરી શકું છું. મહારાષ્ટ્રના શેતકરી સંગઠનના નેતા ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા તેમ જ કૃષિ અર્થશાસ્ત્રી તેમ જ પૅનલના સભ્ય અશોક ગુલાટી સાથે ચર્ચા કરી હતી. 
ઘનવટે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘હવે સરકાર આ કાયદાને પરત ખેંચી રહી છે ત્યારે હું અમારા રિપોર્ટને સાર્વજનિક કરવાની માગણી કરું છું, જેથી આ રિપોર્ટ લોકોને આ મામલે યોગ્ય જાણકારી આપવાનું કામ કરી શકે.’ સમિતિએ કૃષિ કાયદા અંગે પોતાનો રિપોર્ટ માર્ચ મહિનામાં જ સુપ્રીમ કોર્ટને આપી દીધો હતો, પરંતુ કોર્ટે એમની કોઈ ભલામણનો ઉપયોગ કર્યો નહોતો તેમ જ એ રિપોર્ટને પણ સાર્વજનિક કર્યો નહોતો. 

કૉન્ગ્રેસના કીર્તિ આઝાદ તૃણમૂલમાં જોડાયા 

કૉન્ગ્રેસના નેતા કીર્તિ આઝાદ અને જનતા દળ (યુ)માંથી બરતરફ નેતા પવન વર્મા ગઈ કાલે દિલ્હીમાં મમતા બૅનરજીની હાજરીમાં તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયા હતા. આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને બિહારના રાજકારણમાં એન્ટ્રી કરી છે. આ પગલું નોંધપાત્ર છે, કેમ કે મમતા બૅનરજી આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને પડકારવા માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા ઇચ્છે છે. બિહારની દરભંગા બેઠક પરથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી જીતનારા કીર્તિ આઝાદે બૅનરજીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આઝાદે કહ્યું હતું કે ‘આજે દેશને એક એવી વ્યક્તિની જરૂર છે કે જે સમગ્ર દેશને નવી દિશા આપી શકે. મમતા બૅનરજીએ પુરવાર કર્યું છે કે તેઓ એમ કરી શકે છે.’

ત્રણ કૃષિ કાયદાઓને સંસદમાંથી પાછા લેવાની તારીખ કૃષિ મંત્રાલય નક્કી કરશે: પ્રહલાદ જોશી

ત્રણ કૃષિ કાયદાઓની વાપસીની ઘોષણા બાદ હવે એના પર ચર્ચા માટે સંસદના આગામી સત્રમાં તારીખ નક્કી કરાશે. કેન્દ્રીય કોલસાપ્રધાન પ્રહલાદ જોશીએ ગઈ કાલે કહ્યું હતું કે આગામી શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે કૃષિ મંત્રાલય તારીખો પર વિચાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય પ્રધાનમંડળ આજે કૃષિ કાયદાઓ પાછા લેવાના નિર્ણયને મંજૂરી માટે વિચાર કરી શકે છે. 
સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના સવાલ પર જોશીએ કહ્યું હતું કે ‘કૃષિ મંત્રાલય આ મામલે વિચાર કરી રહ્યું છે તેમ જ તારીખો નક્કી કરશે. હવે તે સંસદમાં આવશે ત્યારે અમે એને પાછા લેવાનો વિચાર કરીશું.’

national news