News in Short: મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન

12 April, 2021 12:28 PM IST  |  Mumbai | Agency

બાપુએ આ વૅક્સિન લઈને તમામ વડીલો અને પાત્ર લોકોને વૅક્સિન લેવા માટે આહવાન કર્યું હતું.

મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન

રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુ રાત્રે ૨.૩૦ વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે ૯.૩૦ વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
બાપુના બ્રહ્મલીન થતાં તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વૅક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વૅક્સિન લીધી હતી. બાપુએ આ વૅક્સિન લઈને તમામ વડીલો અને પાત્ર લોકોને વૅક્સિન લેવા માટે આહવાન કર્યું હતું.

૮૦થી વધારે પ્રદર્શનકારીઓનાં મ્યાનમારમાં મોત

મ્યાનમારના સુરક્ષા દળોએ સૈન્ય તખતા પલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી જેમાં ૮૦થી વધારે પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે રાઇફલ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ૮૨ લોકો માર્યા ગયા હતા. જોકે સૈન્ય શાસનના પ્રવક્તાએ નેપીતા ખાતે સુરક્ષા દળોની કાર્યવાહીનો બચાવ કર્યો હતો. સુરક્ષા દળોએ સપ્તાહમાં ત્રીજી વખત પ્રદર્શનકારીઓ પર ઘાતક બળપ્રયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓ સૈન્ય તખતા પલટના વિરોધની સાથે લોકશાહીના સમર્થક નેતા આંગ સાન સૂકીને મુક્ત કરવા માગણી કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ પરની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૬૧૪ લોકો માર્યા ગયા છે. 

બીજેપીએ કુલદીપ સિંહ સેનગરની પત્નીની ઉમેદવારી રદ કરી

ભૂતપૂર્વ વિધાનસભ્ય અને  ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી કુલદીપ સિંહ સેનગરની પત્નીનું ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણીનું ઉમેદવારી બીજેપીએ ગઈ કાલે પાછી ખેંચી લીધી હતી. બીજેપીએ અગાઉ જાહેર કરેલી યાદી મુજબ પાર્ટીએ  ફતેહપુર ચૌરાસીના વોર્ડ નંબર-૨૨માંથી જિલ્લા પંચાયતના સભ્યપદ માટે સંગીતા સેનગરની ઉમેદવારી ભરી હતી. રાજ્યના બીજેપી એકમના વડા સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે ૨૦૧૮ના ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી કુલદીપ સિંહ સેનગરના પત્ની સંગીતા સેનગરની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી છે અને ઉન્નાવના પક્ષ પ્રમુખને નવા ઉમેદવાર તરીકે ત્રણ નવા નામ સબમીટ  કરવા જણાવાયું છે. તેમણે ૧૫ એપ્રિલથી શરૂ થતાં ચાર તબક્કાની પંચાયતી ચૂંટણીમાં  બીજેપીની જીતની આશા વ્યક્ત કરી હતી. ઉન્નાવમાં ૨૬ એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. ઉન્નાવમાં ૧૭ વર્ષની યુવતીનો બળાત્કાર કરવા બદલ દિલ્હી કોર્ટે ૨૦૧૯ની ૨૦ ડિસેમ્બરે આજીવન કેદની સજા ફરમાવી હતી. 

વારાણસી હવે સંસ્કૃતિ સિટી તરીકે ઓળખાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર વારાણસી શહેર હવે સંસ્કૃતિ સિટી તરીકે ઓળખાશે. દેશમાં સંસ્કૃતિની સૌથી વધુ સ્કૂલ ઉત્તર પ્રદેશના વારાણસીમાં છે અને ભારતની આ પ્રાચીન ભાષા શીખતા સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ આ શહેરમાં છે. વારાણસીમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપતી કુલ ૧૧૦ સ્કૂલ આવેલી છે. યોગી આદિત્યનાથ સરકાર સંસ્કૃત ડિરેક્ટોરેટની સ્થાપના કરશે એને પગલે આ ભાષાને નવી ઓળખ મળશે.

૬૦ દિવસ બાદ ફરી સંક્રમિત થઈ શકો

કોરોનાની બીજી લહેર ભયાનક છે. દેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે, એની સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છેજો તમારામાં ઇમ્યુનિટી ઓછી છે તો બીજી વાર કોરોના સંક્રમિત થવાનો ભય રહેલો છે. દેશમાં ૪.૫ ટકા લોકો એટલે કે પાંચ લાખથી વધુ લોકો એકથી વધારે વાર સંક્રમિત થયા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઍન્ટિબૉડી લાંબા સમય સુધી સુરક્ષિત રહેતી નથી. એને લીધે ફરી વાર કોરોનાનું સંક્રમણ થવાનો ભય રહેલો છે. ૬૦ દિવસ બાદ તેમની ઍન્ટિબૉડી ધીમે-ધીમે ઓછી થતી જાય છે.

યુપીમાં સ્કૂલ ૩૦ એપ્રિલ સુધી બંધ

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને જોતાં ઉત્તર પ્રદેશની સરકારે ધોરણ ૧થી ૧૨ સુધીની તમામ સ્કૂલોને આગામી ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દરમ્યાન કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે.  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સમયગાળા દરમ્યાન અગાઉ નક્કી કરવામાં આવેલી પરીક્ષાઓ લઈ શકાશે. જરૂર પ્રમાણે શિક્ષકો તેમ જ અન્ય કર્મચારીઓને સ્કૂલમાં બોલાવી શકાશે. અગાઉ ધોરણ ૧થી ૮નાં બાળકોને પરીક્ષા વગર જ આગલા ધોરણમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરીક્ષા લેવાનો સીબીએસઈનો ‌નિર્ણય ‘આંચકાજનક’ : પ્રિયંકાનો નિશાંકને પત્ર

સીબીએસઈ બોર્ડે મેમાં નિયત કરાયેલી બોર્ડની પરીક્ષાઓ યથાવત્ રાખવાનો પરિપત્ર જાહેર કર્યો ત્યાર બાદ કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે વાલીઓ મહામારીના સેકન્ડ વેવની વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર એકઠા થવા અંગે ભય અનુભવી રહ્યા છે, એમ છતાં સીબીએસઈએ પરીક્ષાઓ લેવાનો નિર્ણય લીધો છે તે ‘આંચકાજનક’ બાબત છે. તેમણે જણાવ્યું હતું કે વાલીઓનો ડર‘ગેરવાજબી’ નથી, આથી પરીક્ષાઓ રદ કરવી જોઈએ. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ‘ભીડભર્યાં પરીક્ષા કેન્દ્રો ખાતે તથા વ્યાપક ધોરણે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવી વ્યવહારુ દૃષ્ટિએ અશક્ય બની રહેશે. વધુમાં વાઇરસના સ્વરૂપ અને પ્રસારને જોતાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને પરિવારજનો પણ જોખમમાં મુકાશે, ઉપરાંત મહામારી દરમ્યાન બાળકોને પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવતાં જો કોઈ પરીક્ષા કેન્દ્ર હૉટ-સ્પૉટ પુરવાર થશે તો તે માટે સરકાર અને સીબીએસઈ બોર્ડ જવાબદાર ઠરશે.’

ચીનની રસી સૌથી ઓછી અસરકારક, પાકિસ્તાન સહિત અનેક દેશોને મોકલ્યા લાખો ડોઝ

ચીનના રોગનિયંત્રણ અધિકારીઓએ તેમના દેશની ઍન્ટિ-કોવિડ વૅક્સિન સાઇનોવૅકની અસરકારકતા ઓછી હોવાથી અેની અસર વધારવા માટે અન્ય દવાનો ઉમેરો કરવાની જરૂરિયાત દર્શાવી હતી. બ્રાઝિલના સંશોધકોએ એ રસીની ફક્ત ૫૦ ટકા જેટલી પ્રભાવકતા દર્શાવી હતી. ચાઇના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર ગાઓ ફુએ ગયા શનિવારે વાયવ્ય ચીનના ચેંગડુ શહેરમાં એક સંમેલન દરમ્યાન સાઇનોવૅકની રોગ સામે રક્ષણની ક્ષમતા મર્યાદિત એટલે કે ઓછી હોવાનું જણ‌ાવ્યું હતું. 
હાલમાં વિશ્વની વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ વિકસાવેલી કોરોના વિરોધી રસીઓમાં ફાઇઝરની રસી સૌથી વધારે ૯૭ ટકા અને સાઇનોવૅકની રસી સૌથી ઓછી ફક્ત ૫૦.૪ ટકા અસરકારક હોવાનું સિદ્ધ થયું છે. મૉડર્ના, ઍસ્ટ્રાઝેનેકા તેમ જ જૉનસન ઍન્ડ જૉનસન જેવી કંપનીઓની ઍન્ટિ-કોવિડ વૅક્સિન્સ ૬૫ ટકાથી ૮૧ ટકા અસરકારક સિદ્ધ થઈ છે.  
ચીને પાકિસ્તાન જેવા કેટલાક દેશોને સાઇનોવૅક વૅક્સિનના લાખો ડોઝની નિકાસ કરી છે. તેની સાથે ચીને પશ્ચિમમાં વિકસાવવામાં આવેલી વૅક્સિન્સ વિશે શંકા ફેલાવવાના પ્રયાસ પણ કર્યા છે, પરંતુ ચીનના રોગનિયંત્રણ અધિકારીઓ ‘ઇમ્યુનાઇઝેશન પ્રોસેસ માટે જુદી-જુદી ટેક્નિકલ લાઇસન્સની જુદી-જુદી વૅક્સિન્સના વપરાશ’ની ગંભીર વિચારણા કરી રહ્યા છે. 

ચીનની કોરોના વૅક્સિનની અસરકારકતા 50.04 ટકા હોવાનું સંશોધનમાં માલૂમ પડ્યું છે. 

national news