News In Short: ચાલો, જિંદગી બચાવીએ

03 July, 2022 01:53 PM IST  |  Mumbai | Agency

પ્લાસ્ટિક આપણા ગ્રહ તેમ જ આપણા પોતાના હેલ્થ માટે નુકસાનકારક છે. જોકે એની સાથે જ બાળમજૂરી પણ દેશ માટે કલંકિત છે. બાળમજૂરી અને પ્લાસ્ટિકનો અયોગ્ય ઉપયોગ બન્નેને રોકવાની જરૂર છે.

ચાલો, જિંદગી બચાવીએ

પ્રયાગરાજમાં ગઈ કાલે ગાર્બેજ ડમ્પ સાઇટ ખાતે પ્લાસ્ટિકની બૉટલ્સ શોધી રહેલો એક બાળક. કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદન, આયાત, સ્ટૉક કરવો, ડિસ્ટ્રિબ્યુશન, વેચાણ અને ઉપયોગ પર બૅન મૂક્યો છે. પ્લાસ્ટિક આપણા ગ્રહ તેમ જ આપણા પોતાના હેલ્થ માટે નુકસાનકારક છે. જોકે એની સાથે જ બાળમજૂરી પણ દેશ માટે કલંકિત છે. બાળમજૂરી અને પ્લાસ્ટિકનો અયોગ્ય ઉપયોગ બન્નેને રોકવાની જરૂર છે.

રાજા કુમાર એફએટીએફના પ્રેસિડન્ટ બન્યા

ભારતીય મૂળના ટી. રાજા કુમારે ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના પ્રેસિડન્ટ તરીકેનું પદ સંભાળ્યું છે. એફએટીએફે એક ​ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘રાજા કુમાર મની લૉન્ડરિંગ તેમ જ આતંકવાદીઓને ભંડોળ મળતું રોકવા માટેના વૈ​​શ્વિક​ પ્રયાસોની અસરકારકતા વધારવા પર ફોકસ કરશે. રાજા કુમારની બે વર્ષની મુદ્દત રહેશે. નોંધપાત્ર છે કે​​​​​ પાકિસ્તાનની સરકારની મહેરબાનીથી આ દેશમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં છે. ભારત પાકિસ્તાનમાં રહેલા ૩૦ આતંકવાદી નેતાઓ વિરુદ્ધ તપાસ અને ઍક્શન લેવા માટે એફએટીએફને હાકલ કરે છે, જેમાં અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી સપોર્ટ મળી રહ્યો છે. હવે રાજા કુમાર એફએટીએફના વડા બન્યા છે ત્યારે ભારતને મદદ મળી શકે છે.

ચોમાસાએ સમગ્ર દેશને કવર કર્યો

ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે નૈર્ઋત્ય ચોમાસું ગુજરાત અને રાજસ્થાનમાં સીઝનલ વરસાદ લાવ્યું છે. એની સાથે નૈર્ઋત્ય ચોમાસાએ આખા દેશને કવર કર્યો છે. વાસ્તવમાં આઠમી જુલાઈની સામાન્ય તારીખથી છ દિવસ પહેલાં જ ગઈ કાલે નૈર્ઋત્ય ચોમાસાએ આખા દેશને કવર કર્યો હતો. નૈર્ઋત્ય ચોમાસાનું ૧ જૂનની સામાન્ય તારીખ કરતાં ત્રણ દિવસ પહેલાં ૨૯ મેના રોજ કેરળમાં આગમન થયું હતું. કૃષિઆધારિત અર્થતંત્ર માટે નૈર્ઋત્ય ચોમાસાની પ્રગતિ મહત્ત્વપૂર્ણ છે. જોકે અત્યાર સુધી એ સુસ્ત રહ્યું છે. 

ન્યાયતંત્ર માત્ર બંધારણને જ જવાબદાર: ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એન. વી. રમન્નાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ભારતમાં સત્તામાં રહેલી પાર્ટી માનતી હોય છે કે દરેક સરકારી કામગીરી ન્યાયિક સમર્થનને હકદાર છે, જ્યારે વિપક્ષો એવી અપેક્ષા રાખે છે કે તેમના હેતુઓ પાર પાડવા અને તેમની રાજકીય સ્થિતિ મજબૂત કરવામાં ન્યાયતંત્ર મદદ કરે. જોકે ન્યાયતંત્ર માત્ર બંધારણને જ જવાબદાર છે.’ 

ખૂબ જ ચાલાક ચીને અમેરિકાની ટ્રેડ-વૉરનો પણ ઉપાય શોધી કાઢ્યો

ચાઇનીઝ કંપનીઓ હવે મેક્સિકોમાં પોતાના પ્લાન્ટ્સ શરૂ કરીને ત્યાંથી કપડાં અને ફર્નિચર સહિત જુદી-જુદી વસ્તુઓની નિકાસ કરે છે

અમેરિકા ચીન પર તમામ પ્રકારના વ્યાપારિક પ્રતિબંધો લાગુ કરી રહ્યું છે. જોકે ચીને અમેરિકાની બૉર્ડર પર જઈને ત્યાં વસવાનું શરૂ કરી દીધું છે. ચાઇનીઝ કંપનીઓનું આ નવું સરનામું મેક્સિકો છે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ૨૦૧૮માં અમેરિકાના એ સમયના ડોનાલ્ડ ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને ચીનની વિરુદ્ધ ટ્રેડ-વૉર શરૂ કર્યું હતું ત્યારે એના જવાબમાં ચીને આ વ્યૂહરચના અપનાવી હતી, જે હેઠળ ચાઇનીઝ કંપનીઓ મેક્સિકોમાં પોતાના પ્લાન્ટ્સ શરૂ કરીને ત્યાંથી કપડાં અને ફર્નિચર સહિત જુદી-જુદી વસ્તુઓની નિકાસ કરે છે. છેક હવે આ વેપાર નક્કર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
સામાન્ય રીતે ચાઇનીઝ કંપનીઓ સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં પોતાની ફૅક્ટરીઝ શરૂ કરે છે. હવે મેક્સિકો એમનું નવું સરનામું છે. અહીં લેબર કોસ્ટ ઓછી છે. સાથે જ આ ચાઇનીઝ કંપનીઓ મેક્સિકોમાં રજિસ્ટ્રેશન કરાવે છે, જેના લીધે મેક્સિકોની પ્રોડક્ટ્સને અમેરિકામાં મળતી ખાસ વેરાછૂટનો ફાયદો પણ એને મળી રહ્યો છે. આ વેરાછૂટ મેક્સિકો, અમેરિકા અને કૅનેડાના ​ત્રિપક્ષીય ટ્રેડ ઍગ્રીમેન્ટ હેઠળ મળે છે.
માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાની પાસે ઉત્પાદન કરવાથી સપ્લાય ચેઇનને સંબંધિત મુશ્કેલીઓથી પણ આ કંપનીઓને રાહત મળે છે. કન્સલ્ટિંગ કંપની એટી કીર્નીએ રિસન્ટલી પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકન કંપનીઓ પણ હવે પોતાના દેશની નજીક આવીને પ્રોડક્શન કરવામાં રસ લઈ રહી છે. 

મધ્ય પ્રદેશમાં સરપંચની જીત બદલ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા

મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં સરપંચની જીત બદલ તેના સપોર્ટર્સ દ્વારા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાના દાવા સાથે એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પોલીસને એની ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ અત્યારે આ વિડિયોની ઑથેન્ટિસિટી ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે, એ પછી જ પગલાં લેવામાં આવશે. વાસ્તવમાં ચાકા ગ્રામ પંચાયતની સરપંચ ઉમેદવાર રહીશા વાજિદ ખાનને મતગણતરી બાદ શુક્રવારે મોડી રાતે વિજેતા જાહેર કરવામાં આવી હતી. એવો આરોપ છે કે એ દરમ્યાન તેના સપોર્ટર્સે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. 

ભારતે અમેરિકન રિપોર્ટની આકરી ઝાટકણી કાઢી

ભારતે ગઈ કાલે દેશની વિરુદ્ધ ‘પક્ષપાતવાળી અને ખોટી’ કમેન્ટ્સ કરવા બદલ યુએસસીઆઇઆરએફ (યુએસ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ)ની આકરી ટીકા કરી હતી.
વિદેશ મંત્રાલય તરફથી આ રિઍક્શન એવા સમયે આવ્યું છે કે જ્યારે એક દિવસ પહેલાં યુએસસીઆઇઆરએફે ભારત પર સરકાર વિરોધી અવાજો, ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓ અને એના માટે રિપોર્ટિંગ અને તેમની હિમાયત કરનારાઓ પર અત્યાચાર કરવાનો આરોપ મૂક્યો હતો. 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘અમે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર યુએસસીઆઇઆરએફની ભારતની વિરુદ્ધની પક્ષપાતવાળી અને અયોગ્ય કમેન્ટ્સને જોઈ છે. આ કમેન્ટ્સ ભારત અને એના બંધારણીય માળખા, એની વૈવિધ્યતા અને એનાં લોકતાં​ત્રિક મૂલ્યોની ગંભીર સમજનો અભાવ દર્શાવે છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ખેદજનક વાત એ છે કે યુએસસીઆઇઆરએફ પોતાના પ્રેરિત એજન્ડાના અમલમાં પોતાનાં સ્ટેટમેન્ટ્સ અને રિપોર્ટ્સમાં વારંવાર હકીકતોને ખોટી રીતે રજૂ કરતું રહે છે. આ પ્રકારની ઍક્શન એની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા વિશે ચિંતાઓને મજબૂત કરવાનું કામ કરે છે.’

પૅટ્રોલિંગનો હૉર્સપાવર

ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ કાયદા-વ્યવસ્થા જાળવવા માટે લાદવામાં આવેલા કરફ્યુમાં ગઈ કાલે ચાર કલાકની છૂટ દરમ્યાન પૅટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા-કર્મચારીઓ.

national news