News In Short : રાજસ્થાન સહિત ત્રણ રાજ્યમાં ભૂકંપના આંચકા

22 July, 2021 11:25 AM IST  |  New Delhi | Agency

ગઈ કાલે ૫.૩ મેગ્નિટ્યુડ-ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. અગાઉ રાજસ્થાનમાં ફેબ્રુઆરી મહિનામાં (પાંચ મહિના પહેલાં) ૪.૩ની તીવ્રતા સાથે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન સહિત ત્રણ રાજ્યમાં ભૂકંપના આંચકા

ગઈ કાલે એટલે કે બુધવારે દેશમાં ૩ રાજ્યોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સૌથી પહેલાં મેઘાલય ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને એના થોડા કલાકો બાદ લેહ-લદ્દાખમાં આંચકો આવ્યો હતો. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ગઈ કાલે ૫.૩ મેગ્નિટ્યુડ-ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. અગાઉ રાજસ્થાનમાં ફેબ્રુઆરી મહિનામાં (પાંચ મહિના પહેલાં) ૪.૩ની તીવ્રતા સાથે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.

શાઝિયા અને પ્રેમ શુક્લા બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા

બીજેપીના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાએ ગઈ કાલે શાઝિયા ઇલ્મી અને પ્રેમ શુક્લાને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યાં હતાં.
શાઝિયા ઇલ્મી અને પ્રેમ શુક્લા બન્ને જણ પત્રકારમાંથી રાજકારણી બન્યાં છે. શાઝિયાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)થી રાજકીય સફરની શરૂઆત કરી હતી, જ્યારે પ્રેમ શુક્લા ૨૦૧૬માં બીજેપીમાં જોડાયા હતા.

સલમાન ખુરશીદનાં પત્ની વિરુદ્ધ વૉરન્ટ

ઉત્તર પ્રદેશના ફરૂખાબાદની અદાલતે કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુરશીદનાં પત્ની લુઇસ ખુરશીદ અને સેક્રેટરી અતહર ફારુકી વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે. આ વૉરન્ટ અપંગ લોકો માટે ઉપકરણોની ખરીદીમાં કથિત ઉચાપતને લઈને ચાલી રહેલા કેસમાં જારી કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનની પત્ની વિરુદ્ધ આ વૉરન્ટ જાકીર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ કેસમાં જારી કરાયું છે. લુઇસ ટ્રસ્ટ પર આર્થિક છેતરપિંડીનો આરોપ મુકાયો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર તરફથી મળતી ગ્રાન્ટમાં હેરાફેરી કરવામાં આવી હતી.

પાટણના સિદ્ધપુરમાં ૧૩ જેટલી બૉટલમાં ભ્રૂણ મળી આવતાં ચકચાર

ગેરકાયદે ગર્ભપાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

પાટણના સિદ્ધપુર તાલુકાના તાવડિયા ગામેથી સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. તાવડિયા ગામ પાસેથી ગઈ કાલે ૧૩ જેટલાં ભ્રૂણ મળી આવતાં ભારે ચકચાર મચી છે. 
ઘટનાની જાણ થતાં મોટી 
સંખ્યામાં સ્થાનિક લોકો ઊમટી આવ્યા હતા. તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ ભ્રૂણ કોણ ફેંકી ગયું એની તપાસ શરૂ કરી છે.
પોલીસને ઘટનાસ્થળ પરથી પ્લાસ્ટિકની ૧૩ બૉટલો મળી આવી હતી અને તમામ બૉટલોમાં ભ્રૂણના અવશેષો હતા.
ગેરકાયદે ગર્ભપાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ મહિસાગરના સંતરામપુરમાં નર્સો દ્વારા ગેરકાયદે અમાનવીય ગર્ભપાત કરાવાતો હોવાનો એક વિડિયો વાઇરલ થયો હતો. 

૧૦મા, ૧૨માના પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ માટે ૧૬ ઑગસ્ટથી પરીક્ષા : સીબીએસઈ

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ ગઈ કાલે જાહેર કર્યું હતું કે પ્રાઇવેટ કૅન્ડિડેટ્સ માટેની દસમા તથા બારમા ધોરણની પરીક્ષા ૧૬ ઑગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે.
દરમ્યાન સીબીએસઈએ ગઈ કાલે બારમા ધોરણના રિઝલ્ટ્સ તૈયાર કરવા સંબંધમાં સ્કૂલો માટેની ડેડલાઇન ત્રણ દિવસ લંબાવીને ૨૫ જુલાઈ કરી હતી.

અરવલ્લીમાં તાલિબાની સજા : યુવકને માર મારી મુંડન કરી નાખ્યું

અરવલ્લીમાં તાલિબાની સજાનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ગામના લોકો ભેગા થઈને યુવકને માર મારી રહ્યા છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. આ યુવક પર આક્ષેપ છે કે તે સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. તેણે સગીરા સાથે શારીરિક સંબંધ બનાવવા હતા એથી તે તેને ત્યાં લઈ ગયો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવકનું મુંડન કરી તાલિબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. અવારનવાર આવા તાલિબાની સજાના વિડિયો સામે આવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે કોઈને પણ સજા આપવા પહેલાં પોલીસની મદદ કેમ લેવામાં આવતી નથી. કાયદો લોકો હાથમાં લઈને વારંવાર એનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

national news