News In Short : ચીનાઓ હજીયે પૂરની પળોજણમાં

28 July, 2021 12:03 PM IST  |  China | Agency

હેલિકૉપ્ટરમાંથી લેવામાં આવેલી આ તસવીર મુજબ આ પ્રાંતના ઝિનઝિઆન્ગ શહેરના વીહુઇ વિસ્તારના મુખ્ય માર્ગ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે એમાં અનેક લોકો અટવાઈ ગયા છે

સમગ્ર દેશમાં ધોધમાર વરસાદને કારણે ૭૦ થી વધુ લોકોનાં મૃત્યું થયાં છે.   એ.એફ.પી. 

ચીનના હેનાન પ્રાંતમાં વરસાદનું હજી પણ જોર છે અને ઘણા વિસ્તારોમાં પૂરના પાણીએ જનજીવન ખોરવી નાખ્યું છે. હેલિકૉપ્ટરમાંથી લેવામાં આવેલી આ તસવીર મુજબ આ પ્રાંતના ઝિનઝિઆન્ગ શહેરના વીહુઇ વિસ્તારના મુખ્ય માર્ગ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે એમાં અનેક લોકો અટવાઈ ગયા છે. તેમને સલામત સ્થળે લઈ જવા બચાવ કાર્યકરોની મદદ લેવામાં આવી હતી. સમગ્ર દેશમાં ધોધમાર વરસાદને કારણે ૭૦ થી વધુ લોકોનાં મૃત્યું થયાં છે.   એ.એફ.પી. 

માતા કે પિતા ગુમાવનાર બાળકને મહિને ૨૦૦૦ રૂપિયા
ગુજરાત સરકારે ગઈ કાલે જાહેરાત કરી હતી કે રાજ્યમાં જે પણ બાળકે કોવિડ-19ની મહામારીમાં માતા કે પિતામાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી હોય એવા બાળકને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ મહિને ૨૦૦૦ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે જે પણ બાળકે કોવિડમાં માતા-પિતા બન્ને ગુમાવ્યાં હોય તેમને ૨૧ વર્ષની ઉંમર સુધી મહિને ૪૦૦૦ રૂપિયાની સહાયતા અપાશે તેમ જ ઉચ્ચ અભ્યાસ માટેની સવલત પણ અપાશે.

ફૂલનદેવીના હત્યારાને ખતમ કરવાનું એલાન
વર્ષ ૨૦૦૧માં ડાકુ ફૂલનદેવીની હત્યા કરનારા શેરસિંહ રાણાને ખતમ કરવા માટે ટોળાને ઉશ્કેરવા બદલ નિષાદ પાર્ટીના મહામંત્રી શિખર અગ્રવાલ સામે ગુનો નોંધાયો છે. શિખર અગ્રવાલ વર્ષ ૨૦૧૮માં ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની હિંસાના મુખ્ય આરોપીઓમાંથી એક છે. શિખર અગ્રવાલ તથા અન્યોને શેરસિંહ રાણાની હત્યા કરવાના શપથ લેતા બતાવતો વિડિયો વાઇરલ થયા પછી પોલીસે એ ગુનો નોંધ્યો હતો. ગયા રવિવારે ફૂલનદેવીની ૨૦મી મૃત્યુતિથિ નિમિત્તે બુલંદ શહરના શિકારપુર પાસેના પરુલી ગામમાં શિખર અગ્રવાલ તથા અન્યોએ શપથ લીધા એનો વિડિયો વાઇરલ થયો હતો.

સાત વિપક્ષોનો રાષ્ટ્રપતિને પત્ર
સંસદમાં ખેડૂતોના મુદ્દા અને પેગસસ ફોન ટેપિંગ જેવા વિષયોની ચર્ચા કરવાની કેન્દ્ર સરકારને સૂચના આપવાની વિનંતી કરતો પત્ર સાત વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખ્યો હોવાનું સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રમાં જે પક્ષોના નેતાઓએ સહી કરી છે એ પક્ષોમાં બહુજન સમાજ પક્ષ, રાષ્ટ્રીય લોકતાં​ત્રિક પાર્ટી, શિરોમણિ અકાલી દળ, નૅશનલ કૉન્ફરન્સ, સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો સમાવેશ છે. હરસિમરત બાદલે જણાવ્યું હતું કે ખેડૂતો મૃત્યુ પામ્યા છતાં સરકાર સંમતિ પણ દર્શાવતી નથી એ દુર્ભાગ્યની વાત છે.

હરિધામ સોખડાના પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા 
હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો સોમવારે રાતે દેહવિલય થતાં વિશ્વભરના લાખો ભક્તોમાં શોકની કાલિમા વ્યાપી હતી. છેલ્લા કેટલાયે મહિનાઓથી સ્વામીજીની તબિયત બગડતાં ડાયાલિસિસ ચાલુ હતું. સોમવારે સાંજે બ્લડ પ્રેશર અને પલ્સ ઘટવા સાથે હૃદય કામ કરતું બંધ થઈ જતાં ભાઈલાલ અમીન હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમની ઉંમર ૮૮ વર્ષની હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શોકગ્રસ્ત છે. પહેલી ઑગસ્ટે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ગત વર્ષે શહેર નજીકના પાંજરાપોળ મેદાન ખાતે યોજાયેલો આત્મીય મહોત્સવ છેલ્લો મહોત્સવ હોવાનો અણસાર પણ સ્વામીજીએ સત્સંગીઓને આપી દીધો હતો.

national news international news