News In Short: ખમ્મા કરો મેઘરાજા

23 November, 2021 12:51 PM IST  |  New Delhi | Agency

આવા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત રીતે સ્થળાંતર માટે સહાય કરતા ફાયરબ્રિગેડના જવાનો અને ચિંતાતુર રહેવાસીઓ. 

ખમ્મા કરો મેઘરાજા

કર્ણાટકમાં કમોસમી વરસાદને કારણે કુલ ૨૪ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારે વરસાદને કારણે ગઈ કાલે બૅન્ગલોરના ઘણા રહેણાક વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. આવા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત રીતે સ્થળાંતર માટે સહાય કરતા ફાયરબ્રિગેડના જવાનો અને ચિંતાતુર રહેવાસીઓ. 

સંસદીય સ​મિતિની બેઠકમાં ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી

સંયુક્ત સંસદીય સમિતિએ ગઈ કાલે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૧૯ મામલે બેઠક કરી હતી જેમાં જૉઇન્ટ કમિટીએ રિપોર્ટને બહુમતીથી અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ ખરડો બહુ જલદી સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે. સંયુક્ત સંસદીય સમિતિએ રિપોર્ટ જમા કરવા બે વર્ષમાં પાંચ એક્સટેન્શન મળ્યું હતું. આ ખરડાનો હેતુ એ નક્કી કરવાનો છે કે વિભિન્ન કંપનીઓ અને સંગઠન ભારતની અંદર વ્યક્તિઓના ડેટાનો ઉપયોગ કઈ રીતે કરી શકે. કૉન્ગ્રેસ, બીજુ જનતા દળ અને તૃણમૂલના સાંસદોએ આ ખરડાનો સમિતિએ કરેલા સ્વીકાર બાદ પોતાના વાંધાઓ રજૂ કર્યા હતા.

પંજાબમાં કેબલ ટીવી માટે આપવા પડશે માત્ર ૧૦૦ રૂપિયા

કેબલ માફિયા સામે યુદ્ધનું એલાન કરતાં પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચેન્નીએ સમગ્ર રાજ્યમાં કેબલ ટીવી કનેક્શન માટે માસિક માત્ર ૧૦૦ રૂપિયાનો દર નક્કી કર્યો છે. એક રૅલીને સંબોધતાં ચેન્નીએ કહ્યું હતું કે ‘વધારે ચાર્જ વસૂલીને કેબલ માફિયા સામાન્ય લોકોને હેરાન કરે છે એ ચલાવી નહીં લેવાય. ટ્રાન્સપોર્ટ અને કેબલનો તમામ બિઝનેસ બાદલ પરિવાર પાસે છે, પરંતુ હવે લોકોએ ૧૦૦ રૂપિયાથી વધુ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. વધુ ચાર્જ લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’ 

ત્રિપુરાની હિંસાને મામલે ટીએમસીના દિલ્હીમાં ધરણાં

સંસદના શિયાળુ સત્ર પહેલાં ​​ત્રિપુરામાં બીજેપી સામેની લડાઈને તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી) દિલ્હી સુધી લઈ આવી છે. ગઈ કાલે અમિત શાહને મળવાની માગણી સાથે એમના સંસદસભ્યોએ ગૃહ મંત્રાલય સામે કલાકો સુધી 
ધરણા પ્રદર્શન કર્યું હતું. તૃણમૂલના સુખેન્દુ શેખર રે અને માલા રૉય સહિત ૧૧ સંસદસભ્યો અમિત શાહને મળ્યા હતા. તેમ જ ત્યાં કઈ રીતે સંસદસભ્યોને માર મારવામાં આવે છે એની વિગતો આપી હતી. આ મામલે મમતા બૅનરજી પણ વડા પ્રધાન મોદીને મળવાના છે. ​

બૂસ્ટર ડોઝની જરૂરિયાતને પુરવાર કરતા વૈજ્ઞાનિક પુરાવાઓ નથી : આઇસીએમઆર 

કોવિડ-19 સામે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાતને પુરવાર કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ હજી સુધી મળ્યા નથી એમ જણાવતાં આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે ગઈ કાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલના તબક્કે ભારત સરકાર માટે દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને રસીનો બીજો ડોઝ મળે એ જ અગત્યનું છે. 
સૂત્રોએ જણાવ્યા અનુસાર બૂસ્ટર ડોઝનો ઇશ્યુ નૅશનલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઑન ઇમ્યુનાઇઝેશન ઇન ઇન્ડિયા (એનટીએજીઆઇ)ની આગામી ​મીટિંગમાં કરાય એવી શક્યતા છે. માત્ર ભારત સહિત સંપૂર્ણ વિશ્વમાં લોકોને રસીનો બીજો ડોઝ મળે એ જ સરકારની અગ્રિમતા છે. વધુમાં બૂસ્ટર ડોઝની જરૂર પુરવાર કરતાં કોઈ વૈજ્ઞાનિક કારણો પણ હજી સુધી મળ્યાં નથી એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે તમામ પુખ્ત નાગરિકોને રસીના બન્ને ડોઝ મળી ગયા બાદ નિષ્ણાતોની ભલામણ મુજબ બૂસ્ટર ડોઝ વિશે નિર્ણય લેવાશે. 

ચેન્નઈની મહિલાએ તેના જ્યોતિષી પતિને અમર બનાવવા જીવતો દાટી દીધો

ચેન્નઈના પેરુમબક્કમમાં રહેતી ૫૫ વર્ષની મહિલાએ મૃત્યુ બાદ પણ અમરત્વ પ્રાપ્ત કરવા ઇચ્છતા તેના પતિને કથિત રીતે જીવતો દાટી દીધો હતો. 
આઇટી પ્રોફેશનલ તરીકે કામ કરતી નાગરાજની દીકરી ગુરુવારે ઘરે આવ્યા બાદ તેના પિતાને ન જોતાં માને પ્રશ્ન કર્યો હતો. જોકે તેણે વ્યવસ્થિત જવાબ આપ્યો નહોતો. જોકે શનિવારે સતત પૂછપરછથી ત્રાસીને તેણે દીકરીને સાચી વાત જણાવી હતી. 
પોલીસે જણાવ્યા અનુસાર નાગરાજની દીકરીએ કહ્યું હતું કે ૧૬ નવેમ્બરે તેના પિતાને છાતીમાં દુખાવો થયો હતો. તેમણે પોતાનું મૃત્યુ નજીક હોવાનું જણાવી પત્ની સમક્ષ અમરત્વ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી તેમને જીવતા દાટવા જણાવ્યું  હતું. પત્ની લક્ષ્મીએ પતિની ઇચ્છા પૂરી કરવા બે મજૂરોને બોલાવીને ઘરની પાછળ વૉટર ટૅન્કનું કહીને ખાડો ખોદાવ્યો અને ૧૭ નવેમ્બરે જ્યારે તેનો પતિ બેહોશ હતો ત્યારે લક્ષ્મીએ તેને દાટી દીધો હતો. 

અમેરિકાના રાષ્ટ્રપતિની ડેમોક્રસી સમિ​ટમાં ભાગ લેશે નરેન્દ્ર મોદી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ૯ તથા ૧૦ ડિસેમ્બરે આયોજિત સમિટ ફૉર ડેમોક્રસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. વર્ચ્યુઅલ સમિટમાં અંદાજે ૧૦૦ જેટલા દેશોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ આ સમિટમાં લોકતંત્ર અને માનવાધિકારની રક્ષા માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રતિબદ્ધતાનો સમાવેશ કરવામાં આવશે. બાઇડને પોતાના ચૂંટણી અભિયાન દરમ્યાન આવું સંમેલન કરવાનું વચન આપ્યું હતું. વળી અમેરિકા એના મુખ્ય હરીફ ચીન અને રશિયાને એક સંદેશ પણ આપશે. આ બન્ને દેશોને આ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ બન્ને કમ્યુનિસ્ટ દેશો પોતાની જાતને લોકતંત્ર ગણાવે છે. અમેરિકાએ તાઇવાનને આમંત્રણ આપ્યું છે. 

શિયાળુ સત્રઃ સર્વ પક્ષોની બેઠકમાં ભાગ લેશે પીએમ

સંસદના શિયાળુ સત્ર પહેલાં વડા પ્રધાન મોદી રવિવારે બોલાવવામાં આવેલી તમામ પક્ષોની બેઠકમાં ભાગ લેશે. ૨૯ નવેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્ર પહેલાં બોલાવવામાં આવેલી આ બેઠકમાં કૃષિ કાયદાઓ રદ કરવા, મિનિમમ સપોર્ટ પ્રાઇસની ખેડૂતોની માગ, ઈડી અને સીબીઆઇ જેવી તપાસ સંસ્થાઓના વડાઓનો કાર્યકાળ વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. એવી પણ શક્યતા છે કે તૃણમૂલ કૉન્ગ્રેસ ​ત્રિપુરાની હિંસાનો મુદ્દો ઉઠાવશે જેને લઈને ગઈ કાલે એમણે નૉર્થ બ્લૉકમાં ધરણાં પર બેઠાં હતાં. 
૨૮ નવેમ્બરે સાંજે બીજેપીની સંસદીય કાર્યકારણીની બેઠક થશે. એનડીએના નેતાઓ બપોરે ૩ વાગ્યે મળશે. આ બેઠકમાં પણ વડા પ્રધાન સામેલ થશે. 

પઠાણકોટમાં આર્મી કૅમ્પના ગેટ પર ગ્રેનેડ ફેંકાયો

પઠાણકોટના ધીરપુલ પાસે ગઈ કાલે સવારે ઇન્ડિયન આર્મીના કૅમ્પના ​​ત્રિવેણી ગેટ ખાતે ગ્રેનેડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક બાઇકસવારોએ ત્રિવેણી ગેટની આગળ ગ્રેનેડ ફેંક્યો હતો. પોલીસ ઘટનાસ્થળેથી મેળવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજનું વેરિફિકેશન કરી રહી છે. આ વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. 

national news