યુકેના વાઇરસની ભારતમાં એન્ટ્રી

30 December, 2020 02:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુકેના વાઇરસની ભારતમાં એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં યુકેમાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા સ્વરૂપનો પ્રવેશ થઈ ગયો છે. બ્રિટનથી પરત આવેલા છ દરદીઓમાં આ વાઇરસ મળ્યો હતો. આ તમામ લોકોને અલગથી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વૉરન્ટીન કરાયા છે. કુલ ૩૩,૦૦૦ પ્રવાસીઓ યુકેથી અલગ-અલગ ઍરપોર્ટ પર ૨૫ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી આવ્યા હતા. જે પૈકી ૧૧૪ કોરોના પૉઝિટિવ હતા. તેમના સૅમ્પલને ચકાસણી માટે લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા તો છમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્રણ સૅમ્પલ બૅન્ગલોરમાં, બે હૈદરાબાદમાં અને એક પુણેમાં મળ્યા છે. આ તમામને તેમના રાજ્યમાં તૈયાર કરવામાં આવેલી વિશેષ ફૅસિલીટીમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. એ ઉપરાંત તેમના સહપ્રવાસીઓ, પરિવાર તેમ જ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

ભારત પહેલાં આ નવા સ્વરૂપના કોરોના વાઇરસના કેસ અત્યાર સુધી ડેન્માર્ક, નેધરલૅન્ડ્સ, ઑસ્ટ્રેલિયા, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, કૅનેડા, જપાન, લેબનોન અને સિંગાપોર જેવા દેશોમાં નોંધાયા છે. યુકેમાં મળેલો આ વાઇરસ અગાઉના વાઇરસ કરતાં ૭૦ ટકા વધુ ચેપી છે. આ વાઇરસના જિનેટિક લોડમાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૧૭ ફેરફારો નોંધાયા છે.

national news united kingdom hyderabad pune coronavirus covid19