લખીમપુર કેસની તપાસ કરવા નિવૃત્ત ન્યાયાધીશ સહિત નવી તપાસ ટીમ ખેરી પહોંચી, ઘટના સ્થળની મુલાકાત લીધી

25 November, 2021 08:55 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

અધિકારીઓની ટીમે ઘટનાસ્થળનું ખૂબ નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

ફોટો/પીટીઆઈ

ટિકુનિયા ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર રચાયેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુરુવારે લખીમપુર ખેરી પહોંચી હતી. પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત જજ અને યુપી કેડરના ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

અધિકારીઓની ટીમે ઘટનાસ્થળનું ખૂબ નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્થળ સીલ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 17 નવેમ્બરે તપાસ ટીમનું પુનર્ગઠન કર્યાના આઠ દિવસ બાદ પહેલીવાર તપાસ ટીમ ખેરી પહોંચી હતી.

ટીમે ટીકુનિયા જઈને સ્થળની મુલાકાત પણ લીધી હતી. સુપ્રીમ કોર્ટે તપાસ ટીમની દેખરેખ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રાકેશ કુમાર જૈનને સોંપી છે અને ટીમમાં ત્રણ આઈપીએસ અધિકારીઓનો વધારો કર્યો છે. જેમાં એડીજી ઈન્ટેલિજન્સ એસબી શિરોડકર, આઈજી રિક્રુટમેન્ટ બોર્ડ પદ્મજા ચૌહાણ અને ડીઆઈજી સહારનપુર પ્રીતિન્દર સિંહનો સમાવેશ છે.

આ બધા ગુરુવારે સવારે 11 વાગે ખેરી પહોંચ્યા હતા, જ્યાં ડીએમ અને એસપી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ એસપી સંજીવ સુમન સહિતની આખી ટીમ ટીકુનિયાના સ્થળ માટે રવાના થઈ હતી. ટીમ એક વાગ્યે ત્યાં પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત અગ્રસેન ઈન્ટર કોલેજ અને મંત્રીના ગામ બનેવીરપુરની પણ મુલાકાત લીધી હતી. બે કલાક બાદ ટીમ ચાર વાગે પરત ફરી છે અને કેપ્ટન સહિત તમામ આઈપીએસ અધિકારીઓ ગેસ્ટ હાઉસમાં બેસીને ચર્ચા પણ કરી છે. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરે ટિકુનિયામાં હિંસા થઈ હતી. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.

national news