સાવધાન! કારનો વીમો નહીં હોય તો રૂ. ૭૫,૦૦૦નો દંડ

07 October, 2014 03:02 AM IST  | 

સાવધાન! કારનો વીમો નહીં હોય તો રૂ. ૭૫,૦૦૦નો દંડ




વીમા-કંપનીઓને ભરપૂર બિઝનેસ મળે એવો એક કાનૂની સુધારો ટૂંક સમયમાં આવી રહ્યો છે. સરકાર રોડ ટ્રાન્સપોર્ટ ઍક્ટમાં સુધારા કરવાનું વિચારે છે જેને લીધે વીમા-કંપનીઓ ખાટી જવાની છે. નવા રોડ ટ્રાન્સપોર્ટ અને સેફ્ટી બિલમાંની જોગવાઈઓ સંસદમાં કોઈ પણ જાતના ફેરબદલ વગર પસાર કરી દેવામાં આવશે તો રસ્તા પર અનઇન્શ્યૉર્ડ કાર કે મોટરસાઇકલ ચલાવવાનું મોંઘું સાબિત થઈ જશે.

કોઈ મોટરસાઇક્લિસ્ટ વીમા-પૉલિસી વગર પકડાશે તો તેણે ૧૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે, જ્યારે હળવાં વાહનો તથા રિક્ષા માટે આ પેનલ્ટી ૨૫,૦૦૦ રૂપિયા છે. કોઈ પણ કાર અથવા ટ્રક-ડ્રાઇવર વીમા-પૉલિસી વગર વાહન હંકારતો પકડાશે તો તેની પાસેથી ૭૫,૦૦૦ રૂપિયા જેટલી ઊંચી પેનલ્ટી વસૂલવાની ખરડામાં દરખાસ્ત છે. હાલના નિયમ પ્રમાણે આવા ગુના માટે દરેક વાહન માટે ૧૦૦૦ રૂપિયા પેનલ્ટી લેવામાં આવે છે.

આ નવો ખરડો મોટર વેહિકલ્સ ઍક્ટનું સ્થાન લેશે. દારૂ પીને ગાડી ચલાવવા તથા અકસ્માતમાં કોઈ બાળકના મૃત્યુ જેવા ટ્રાફિકને લગતા ગુનાઓ કરવા બદલ ઊંચી પેનલ્ટીની પણ આ ખરડામાં જોગવાઈ છે. આ ખરડા પર હાલમાં જાહેર જનતા પાસેથી મંતવ્યો મગાવવામાં આવ્યાં છે. આ ખરડો લાગુ થશે તો વાહન-વીમાનું દેશમાં ભારે વિસ્તરણ જોવા મળશે એમ એક વીમા-કંપનીના સેલ્સ વિભાગના વડાએ જણાવ્યું હતું.

હાલના નિયમ પ્રમાણે ભારતીય રોડ પર દોડતા દરેક વાહનપેટે વીમો ઉતારવાનું ફરજિયાત છે છતાં આ નિયમનો મોટે ભાગે ભંગ થતો હોવાનું જોવા મળે છે. દેશમાં ૭૦ ટકા મોટરસાઇકલ અને સ્કૂટરનો વીમો નહીં હોવાનું એક અભ્યાસમાં જણાયું છે, જ્યારે કાર તથા ટ્રક્સ માટે આ આંક ૩૩ ટકા જેટલો છે. માત્ર પેનલ્ટી ઉપરાંત વારંવારના ગુના બદલ લાઇસન્સ રદ કરવા જેવી જોગવાઈનો ખરડામાં સમાવેશ કરવાની વીમા-કંપનીઓ માગણી કરી રહી છે. આમ થશે તો કારચાલકોમાં શિસ્ત આવશે.

ઑટોમોબાઇલના વપરાશકારોમાં વીમાનો વ્યાપ વધારવા ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (IRDA-ઇરડા) પોતાના નિયમોને સરળ બનાવી રહી છે. એણે વાહન વીમા પૉલિસીના સમયગાળાને લંબાવી આપ્યો છે. થર્ડ પાર્ટી વીમાની જવાબદારી જે હાલમાં અમર્યાદિત છે એમાં ૧૦ લાખ રૂપિયાની મર્યાદા લાવવા વીમા-કંપનીઓ માગણી કરી રહી હોવાનું ઇરડાનાં સૂત્રોએ જણાવ્યું હતું.