કોરોનાને અટકાવવા કેન્દ્ર સરકારે સામાજિક મેળાવડા પર મૂક્યો પ્રતિબંધ

17 March, 2020 12:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોનાને અટકાવવા કેન્દ્ર સરકારે સામાજિક મેળાવડા પર મૂક્યો પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના અસરગ્રસ્ત પ્રવાસીઓને પગલે દેશમાં રોગને ફોલાતો રોકવા માટે સરકારે ગઈ કાલે ઍરલાઇન્સ કંપનીઓને યુરોપિયન યુનિયન, યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિએશનનાં સભ્ય રાજ્યો, લિક્ટેસ્ટાઇન, આઇલૅન્ડ, નોર્વે અને સ્વીસ કોન્ફેડરેશન તેમ જ બ્રિટન અને ટર્કીના મુસાફરોને ભારત લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવતી કાલે સાંજે ૫.૩૦ પછીથી તેમના ભારત આવવા પર સંપૂર્ણપણે મનાઈ કરવામાં આવી છે.

સાવચેતીના પગલારૂપે ટ્રાવેલ ઍડ્વાઇઝરીમાં વધુ સખતાઈ આચરવામાં આવી હોવાનું આરોગ્ય મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું. યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતથી આવનારા પ્રવાસીઓને ફરજિયાત ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત ચીન, ઇટલી, ઈરાન, રિપબ્લિક ઑફ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીના મુસાફરોને સરકારે ૧૪ દિવસના ક્વૉરન્ટીનનો આદેશ આપ્યો છે.

ઓડિશા, જમ્મુ-કાશ્મીર, લદાખ અને કેરળ આ ચારે રાજ્યોમાં કોરોના વાઇરસનો એક-એક પીડિત નોંધાતાં સરકારે ગઈ કાલે નવા પ્રતિબંધ લાદ્યા છે. દેશમાં કોરોના વાઇરસના અસરગ્રસ્તોની સંખ્યા ૧૧૪ પર પહોંચી છે જેમાં ડિસ્ચાર્જ મેળવનારા ૧૦, સારા થયેલા ત્રણ અને મૃત્યુ પામેલી બે વ્યક્તિને પણ સમાવિષ્ટ કરાયા છે.

પ્રધાનો સાથે મીટિંગ બાદ સરકારે ૩૧ માર્ચ સુધી સામાજિક મેળાવડાઓ પર પણ પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસના અસરગ્રસ્તોના સંપર્કમાં આવનારા લોકોની તપાસ કરાતાં વધુ ૫૨૦૦ વ્યક્તિ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય દેશોમાંથી ભારત આવનારા મુસાફરો કોરોનાનો ચેપ દેશમાં લાવી રહ્યા હોવાથી નિયંત્રણો વધુ સખત બનાવાયાં હતાં. ગઈ કાલે ઇટલીથી ભારત પાછી ફરેલી એક વ્યક્તિની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ૩૩ વર્ષનો આ બિઝનેસમૅન ૬ માર્ચે ઇટલીથી દિલ્હી આવ્યો હતો અને ત્યાંથી ૧૨ માર્ચે ટ્રેન દ્વારા ભુવનેશ્વર પહોંચ્યો હતો. હાલમાં ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની કૅપિટલ હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

national news coronavirus new delhi