વૉટ્સઍપની નવી પ્રાઇવસી પૉલિસી વિરોધી અરજીને ફગાવી સુપ્રીમ કોર્ટે

06 February, 2021 01:16 PM IST  |  New Delhi | Agency

વૉટ્સઍપની નવી પ્રાઇવસી પૉલિસી વિરોધી અરજીને ફગાવી સુપ્રીમ કોર્ટે

વૉટ્સઍપ

વૉટ્સઍપની નવી પ્રાઇવસી નીતિ કાયદાનો ભંગ કરતી હોવાથી અને એ દેશની સુરક્ષાને પ્રભાવિત કરી શકતી હોવાથી વૉટ્સઍપને એની નવી નીતિ રદ કરવાનો આદેશ આપવાની વિનંતી કરતી અરજી ધ્યાન પર લેવાનો સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇનકાર કરી દીધો હતો.

ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે નોંધ્યું હતું કે દિલ્હી હાઈ કોર્ટ અગાઉથી આ મુદ્દાની સુનાવણી હાથ ધરી રહી છે અને પિટિશનર યોગ્ય ઉપાય પસંદ કરી શકે છે.

જસ્ટિસ એ. એસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યનને પણ સમાવતી આ બેન્ચે કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. આ સંગઠને ઉપરોક્ત મામલે કેન્દ્ર સરકારને દરમ્યાનગીરી કરવાનો આદેશ આપવાની અને વૉટ્સઍપ, ફેસબુક જેવી વિશાળ ટેક્નૉલૉજી આધારિત કંપનીઓના સંચાલન માટેની માર્ગદર્શિકા ઘડવાનો આદેશ આપવાની માગણી કરી હતી.

ઍડ્વોકેટ વિવેક નારાયણ શર્મા મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ભારતના નાગરિકોના ગુપ્તતાના અધિકાર અને અભિવ્યક્તિ સ્વતંત્ર અધિકારનું રક્ષણ કરવાની એની બંધારણીય ફરજ અને જવાબદારી નિભાવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ જતાં આ પીઆઇએલ દાખલ કરવાની ફરજ પડી હતી.

whatsapp national news new delhi supreme court