પાંચમા ધોરણ સુધી ઇંગ્લીશ નહીં, માતૃભાષા ફરજિયાત

30 July, 2020 11:22 AM IST  |  New Delhi | Agencies

પાંચમા ધોરણ સુધી ઇંગ્લીશ નહીં, માતૃભાષા ફરજિયાત

પ્રતીકાત્મક તસવીર

શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા માટે કેન્દ્રીય કૅબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. જેનો ઉદ્દેશ એજ્યુકેશન સિસ્ટમને સંપૂર્ણ રીતે બદલવાનો છે. હવે ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી સંસ્થા હશે. આ ઉપરાંત માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે આજે માહિતી આપી હતી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો હતો કે મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. મોદી પ્રધાનમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપવામાં આવી હતી. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ નિયમનકારી સંસ્થા હશે જેથી શિક્ષણ ક્ષેત્રની અરાજકતા દૂર થઈ શકે.

આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરિયાલે સંયુક્ત રૂપે તેની જાહેરાત કરી હતી. આ ઘોષણા દરમ્યાન કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કૅબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા આયોજિત બ્રીફિંગ કાર્યક્રમમાં પ્રધાનો ઉપરાંત સચિવ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર હતા.

ઉચ્ચ શિક્ષણમાં હવે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના વિકલ્પો આપવામાં આવશે. પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનારાઓએ એમફિલ કરવાનું રહેશે નહીં. કૉલેજોને એક્રિડેશન મામલે સ્વાયતતા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટર હશે. હાલમાં યુજીસી, એઆઇસીટીઇ સામેલ છે. જોકે આમાં કાનૂની અને તબીબી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે નહીં.

national news new delhi