રામમંદિર ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટની પૅટર્ન પર બનશે, 9 ફેબ્રુઆરી અંતિમ તારીખ

05 February, 2020 01:39 PM IST  |  New Delhi

રામમંદિર ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટની પૅટર્ન પર બનશે, 9 ફેબ્રુઆરી અંતિમ તારીખ

રામમંદિર

દેશના સૌથી વિવાદાસ્પદ એવા અયોધ્યા મુદ્દે સર્વોચ્ચ અદાલતે રામમંદિરની તરફેણમાં ચુકાદો આપી દીધા પછી રામમંદિર ટ્રસ્ટના નિર્માણ આડે હવે ફક્ત પાંચ દિવસ બાકી છે. હાલમાં મળી રહેલા સંકેતો મુજબ પ્રસ્તાવિત રામમંદિર ટ્રસ્ટ સોમનાથ મહાદેવ મંદિરનું સંચાલન કરી રહેલ સોમનાથ ટ્રસ્ટની તર્જ પર જ બનશે.

સર્વોચ્ચ અદાલતે રામમંદિરની તરફી ચુકાદો આપ્યો ત્યારે મંદિર નિર્માણ અને વ્યવસ્થા, સંચાલન માટે ટ્રસ્ટ બનાવવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો અને એ માટે અંતિમ મુદત ૯ ફેબ્રુઆરી સુધીની આપી હતી. એ પછી કેન્દ્ર સરકારે રામમંદિર વિવાદ દરમિયાન પક્ષકાર રહેલ રામ જન્મભૂમિન્યાસ, નિર્મોહીઅખાડા વગેરેને ટ્રસ્ટમાં સ્થાન આપવાની જાહેરાત કરી છે, પરંતુ હજી સુધી ટ્રસ્ટના અન્ય સભ્યો અને ખાસ તો ટ્રસ્ટના માળખા અંગે કોઈ જાહેરાત થઈ નથી. હવે માત્ર પાંચ જ દિવસ બાકી છે ત્યારે પ્રસ્તાવિત ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ જેવું જ સ્વરૂપ ધરાવતું હશે એ ધારણા પ્રબળ બને છે.

આઝાદી પછી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી થયું ત્યારે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ મંદિર નિર્માણથી કેન્દ્ર સરકારને અળગી રાખવાનું વલણ દાખવ્યું હતું. એ વખતે સમર્થ ગુજરાતી સાહિત્યકાર અને કાનૂનવિદ કનૈયાલાલ મુનશીએ બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ (૧૯૫૦) અંતર્ગત ટ્રસ્ટ રચવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી અને એ રીતે સોમનાથ ટ્રસ્ટ રચાયું જે મંદિરના જીર્ણોદ્ધાર અને પછી સંચાલન, વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે.

સોમનાથ ટ્રસ્ટમાં ૮ સભ્યોનું ટ્રસ્ટીમંડળ છે જે દર વર્ષે અધ્યક્ષની ચૂંટણી કરે છે. ૮ ટ્રસ્ટીઓ પૈકી ૪ની નિમણૂક કેન્દ્ર સરકાર અને ૪ની રાજ્ય સરકાર કરે છે. ટ્રસ્ટીઓનું સ્થાન આજીવન માનવામાં આવે છે, સિવાય કે ટ્રસ્ટી સ્વેચ્છાએ રાજીનામું આપે તો ખાલી પડેલા સ્થાને નવા ટ્રસ્ટીની નિમણૂક થાય છે. રામમંદિર ટ્રસ્ટમાં પણ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર મહત્તમ ૬-૬ ટ્રસ્ટીઓની નિમણૂક કરે એવી શક્યતા છે.

ram mandir ayodhya national news new delhi