નવા વર્ષના પ્રથમ દિવસે દેશમાં ઑક્સફર્ડની કોરોના વૅક્સિનને મળી મંજૂરી

02 January, 2021 09:20 AM IST  |  New Delhi

નવા વર્ષના પ્રથમ દિવસે દેશમાં ઑક્સફર્ડની કોરોના વૅક્સિનને મળી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના પ્રતિકાર માટે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ઍસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપનીની રસી `કોવિશીલ્ડ‘ની ગઈ કાલે એક્સપર્ટ કમિટીએ ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન માટે ભલામણ કરી હતી. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તરફથી હવે તેને આખરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જોકે ભારત બાયોટેકની રસીને પણ વહેલી તકે મંજૂરી મળવાની શક્યતા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશનની એક્સપર્ટ કમિટીની ભલામણ સ્વીકારીને ગઈ કાલે અપ્રૂવલ મળતાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં એ રસીનું ઉત્પાદન થશે અને ભારતના નાગરિકોને એ રસી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં રોગપ્રતિકારક રસીઓનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભારતમાં ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાની રસીના ઉત્પાદનની સમજૂતી કરવામાં આવી છે. આ રસીને બ્રિટનની મેડિસિન્સ ઍન્ડ હેલ્થ કૅર રેગ્યુલેટરી ઑથોરિટીએ ગયા બુધવારે ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન રૂપે મંજૂરી આપી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટની અરજી મળ્યા પછી ભારત બાયોએનટેકની અરજીની પણ સમીક્ષા અને વિચારણા શરૂ કરવામાં આવી હતી. જોકે કોવિશીલ્ડ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ હોવાનો દાવો સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કરવામાં આવ્યો હતો.

national news coronavirus covid19 new delhi lockdown