હવે કોરોનાની નૅઝલ સ્પ્રે વૅક્સિનની ટ્રાયલને મંજૂરી

16 February, 2021 12:23 PM IST  |  New Delhi

હવે કોરોનાની નૅઝલ સ્પ્રે વૅક્સિનની ટ્રાયલને મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

કોવૅક્સિન અને કોવિશીલ્ડ પછી હવે કોવિડ-19ને નાબૂદ કરવા આવી રહી છે નૅઝલ સ્પ્રે, જે ગેમચેન્જર સાબિત થવાની આશા સેવાય છે. વિશ્વને કોરોનાને હંફાવવા માટે વૅક્સિન મળી ગઈ છે તેમ છતાં ભારતમાં હજી પણ રોજના ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ કોરોના વાઇરસના કેસ સામે આવે છે. હજારો લોકોને રોજ કોવિડની વૅક્સિનના ડોઝ આપવામાં આવે છે. જોકે વાઇરસ હજી પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી રહ્યો.

જોકે હવે લોકોમાં આ મહામારીને હરાવવાની આશા બળવત્તર બની છે. દેશમાં હવે કોવિડ-19ની નૅઝલ વૅક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. કોવૅક્સિન બનાવનારી હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કોવિડ-19ની નૅઝલ વૅક્સિન બનાવી રહી છે. હાલમાં આ નૅઝલ સ્પ્રેનું જનાવરો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એ સફળ પણ થઈ રહ્યું છે. માનવીઓ માટે આ સ્પ્રે સુરક્ષિત છે કે નહીં એની તપાસ કરવા માટે ડ્રગ રેગ્યુલેટરી કંપનીના નિષ્ણાતોની કમિટીએ કંપનીને પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી છે.

શું છે આ નૅઝલ સ્પ્રે?

કોવિડ-19ની વૅક્સિનનો ડોઝ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે, એના સ્થાને નૅઝલ સ્પ્રે નાક દ્વારા આપવામાં આવશે. કોરોના વાઇરસના સંક્રમિતને સૌથી વધારે તકલીફ શ્વાસ લેવામાં થતી હોવાથી સીધો નાક દ્વારા દવાનો ડોઝ આપવાથી એ વધુ અસરકારક પુરવાર થશે, એમ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે.

coronavirus covid19 national news