ભારતની એક ઇંચ જમીન લઈ શકાશે નહીં : અમિત શાહનો ચીનને જવાબ

19 October, 2020 01:33 PM IST  |  New Delhi | Agency

ભારતની એક ઇંચ જમીન લઈ શકાશે નહીં : અમિત શાહનો ચીનને જવાબ

અમિત શાહ

ચીનના પ્રોપગેન્ડા અખબાર ગ્લોબલ ટાઇમ્સે ફરી એક વખત ભારતને પોકળ ધમકી આપી છે અને કહ્યું છે કે ભારત તાઇવાનથી દૂર જ રહે, નહીં તો ચીન કાર્યવાહી કરશે. આ બધાની વચ્ચે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી સૈન્ય અને હથિયારોનું પ્રદર્શન પણ કર્યું અને આ બધું જ ભારત-ચીન વચ્ચે પ્રસ્તાવિત આઠમા દોરની સૈન્ય વાતચીત પહેલાં કરી રહ્યું છે, જેથી કરીને ભારત એનાથી દબાય. જોકે ભારતના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે અમને એનાથી કોઈ ફરક પડતો નથી.

ચીનની આ કોરી ધમકીઓથી ભારતને કોઈ અસર થવાની નથી. ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ દેશ ભારતની એક ઇંચ જમીન પણ લઈ શકશે નહીં. તેમણે કહ્યું કે ચીનની સાથે વિવાદ ખત્મ કરવા માટે દરેક સૈન્ય અને કૂટનીતિક પ્રયાસ ચાલુ છે. ગૃહપ્રધાનનું આ નિવેદન ભારત અને ચીનની આઠમા દોરની વાતચીત પહેલાં આવ્યું છે.

કેટલાક દિવસો પહેલાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો, જેને કારણે વિવાદ થયો હતો. આ મામલે અમિત શાહને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આવા શબ્દોનો ઉપયોગ નહોતો કરવો જોઈએ. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને પત્રમાં હિન્દુત્વના મજબૂત સમર્થક ગણાવતાં કહ્યું હતું કે પૂજા સ્થળો ફરીથી ખોલવાના નિર્ણયને મોકૂફ રાખવા માટે શું તમને કોઈ ઇશ્વરીય સંદેશાઓ આવે છે કે પછી તેઓ સેક્યુલર (ધર્મ નિરપેક્ષ) બની ગયા છે. આ એક એવો શબ્દ હતો જે એમને ગમતો નહોતો.

national news new delhi amit shah