ગાર્ગી કૉલેજની વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ફરિયાદ ચાર દિવસે નોંધાઈ

11 February, 2020 10:27 AM IST  |  New Delhi

ગાર્ગી કૉલેજની વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ફરિયાદ ચાર દિવસે નોંધાઈ

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઘૂસીને યુવતીની છેડતી સામે ગઈ કાલે ગાર્ગી કૉલેજમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિરોધ-પ્રદર્શન કરાયું હતું. તસવીર : પી.ટી.આઇ.

દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કૉલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે થયેલી છેડતીની ઘટનાએ ઘણું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ઘટના વિશેની ચર્ચા સંસદમાં પણ કરવામાં આવી. જેના પર ખુલાસો આપતા શિક્ષણ પ્રધાને કહ્યું કે કૉલેજમાં બહારના અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા. દુ:ખની વાત એ છે કે આ ઘટના છેક ૬ ફેબ્રુઆરીની અને આ વિશે આજ સુધી કોઈ હકીકત બહાર નહોતી આવી અને પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓ પ્રત્યે કોઈ ધ્યાન પણ નહોતું આપ્યું.

ગાર્ગી કૉલેજના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા અને તેમણે ત્યાં હાજર વિદ્યાર્થિનીઓની ખરાબ રીતે છેડતી કરી હતી. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ આ ઘટનાને ગંભીર ગણતા કૉલેજની મુલાકાત લીધી હતી. સોમવારે સવારથી જ આ ઘટના બાબતે કૉલેજ મૅનેજમેન્ટ દ્વારા મૌન સેવાતા કૉલેજની વિદ્યાર્થિનીઓ પ્રદર્શન કરી રહી છે અને પોતાની સુરક્ષા વિશે જવાબ માગી રહી છે. પ્રિન્સિપાલની અવગણનાથી ઉશ્કેરાયેલી વિદ્યાર્થિનીઓએ તેમનો ઘેરાવ પણ કર્યો હતો.

આ પણ વાંચો : વિરોધ માટે સાર્વજનિક રોડ બંધ ન કરી શકાય : સુપ્રીમ કોર્ટ

દિલ્હી મહિલા આયોગની એક ટીમે કેમ્પસ પહોંચી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી હતી. મહિલા આયોગની ટીમે સમગ્ર ઘટનાની માહિતી વિદ્યાર્થિનીઓ પાસેથી લીધી હતી. પોલીસે કહ્યું હતું કે અત્યારે કોઈ ફરિયાદ નથી મળી. જ્યારે બપોરે કૉલેજ પ્રશાસને પોલીસમાં એફઆઇઆર નોંધાવી હતી.કૉલેજ મૅનેજમેન્ટ દ્વારા કોઇ કડક પગલાં નહીં લેવાતા વિદ્યાર્થિનીઓ કૉલેજમાં અનિશ્ચિત સમય માટે હડતાળ જાહેર કરવાના વિચારમાં છે.

national news new delhi Crime News