ગૅન્ગસ્ટર રવિ પૂજારી આફ્રિકન દેશ સેનેગલમાંથી ફરાર

19 October, 2019 01:21 PM IST  |  નવી દિલ્હી

ગૅન્ગસ્ટર રવિ પૂજારી આફ્રિકન દેશ સેનેગલમાંથી ફરાર

રવિ પૂજારી

ગુજરાતી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓને છાશવારે ધમકી આપવા માટે નામચીન રવિ પૂજારી આફ્રિકન દેશ સેનેગલમાંથી ફરાર થઈ ગયો છે.

રવિ પૂજારી ડોન છોટા રાજનનો નિકટનો સાથીદાર ગણાય છે. આ વર્ષે તેની સેનેગલમાં ધરપકડ કરાઈ હતી પણ પોલીસે સ્વીકાર્યું છે કે રવિ પૂજારી સડક માર્ગે આફ્રિકન દેશમાંથી ફરાર થઈ ગયો છે. રવિ પૂજારી સેનેગલમાં એન્થની ફર્નાન્ડિસના નામથી રહેતો હતો અને પોતાને બુર્કીના ફાસો નામના દેશનો નાગરિક ગણાવતો હતો.

રવિ પૂજારી સામે ભારતમાં ૨૦૦ ગુના નોંધાયેલા છે. જેમાંથી ૨૬ ગુના ગુજરાતમાં છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રવિ પૂજારીના નિશાના પર ગુજરાતના ૭૦ લોકો હતા. તે ગુજરાતમાં વારંવાર ખંડણી માટે ફોન કરતો હતો. ત્રણથી ચાર મામલા એવા છે જેમાં પીડિતોએ પૂજારીને ખંડણી પણ આપી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીનું કહેવું છે કે ખંડણીના ૨૬ મામલામાં અમે તપાસ કરી રહ્યા છે. આ મામલાઓની જવાબદારી રવિ પૂજારીએ લીધી છે. સૂત્રોનું કહેવું છે કે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય રવિ પૂજારીની ભાળ મેળવવા માટે સેનેગલ સરકારના સંપર્કમાં છે.

ગુપ્તચર એજન્સીના કહેવા પ્રમાણે પૂજારીએ જાણી જોઈને પોતાની સામે છેતરપિંડીનો કેસ કરાવ્યો હતો. એ પછી તે જામીન પર બહાર આવીને સેનેગલમાંથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પૂજારી સામે રેડ કૉર્નર નોટિસ પણ જાહેર કરાયેલી છે.

national news ravi pujari