સરકારી પૅનલે કર્યો છે દાવો, ફેબ્રુઆરી સુધીમાં કોરોના ખતમ

19 October, 2020 01:33 PM IST  |  New Delhi | Agency

સરકારી પૅનલે કર્યો છે દાવો, ફેબ્રુઆરી સુધીમાં કોરોના ખતમ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોનાનું સંક્રમણ એની ચરમસીમાને વટાવી ચૂક્યું છે અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં આ મહામારી ખતમ થઈ જશે એવું કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોની એક પૅનલનું માનવું છે.

આ પૅનલમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂક સરકારે કરી છે. હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પૅનલનું કહેવું છે કે આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે. ભારતમાં કોરોનાના ૧.૦૬ કરોડથી વધારે કેસ નહીં નોંધાય.

હાલમાં ભારતમાં કોરોનાના ૭૫ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. એક અંગ્રેજી અખબારને આ પૅનલે કહ્યું હતું કે વાઇરસથી બચવા માટે જે પણ ઉપાયો કરવામાં આવી રહ્યા છે એ ચાલુ રાખવા જોઈએ. આ પૅનલ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને બનાવી હતી, જેમાં આઇઆઇટી હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગર પ્રમુખ છે. સમિતિના કહેવા પ્રમાણે ભારતે જો માર્ચ મહિનામાં લૉકડાઉન લાગુ ન કર્યું હોત તો ૨૫ લાખ લોકોનાં મોત થયાં હોત. ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧.૪ લાખ લોકો મોતને ભેટી ચૂક્યાં છે.

પૅનલના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું હતું કે છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં નવા કેસ અને મોતની સંખ્યા પણ ઘટી છે, પણ શિયાળામાં કોરોનાની બીજી લહેરની સંભાવના નકારી શકાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૧,૦૦૦ કેસ સામે આવ્યા છે, જ્યારે ૧૦૩૩ લોકોનાં આ સમયગાળા દરમિયાન મોત થયાં છે. દેશમાં કોરોનાના દરદીઓનો રિકવરી રેટ ૮૮ ટકા થઈ ગયો છે.

national news coronavirus covid19 lockdown