દેશમાં કોરોનાનો કેર યથાવત: કુલ 10નાં મોત, 508 સંક્રમિત

25 March, 2020 10:43 AM IST  |  New Delhi | Agencies

દેશમાં કોરોનાનો કેર યથાવત: કુલ 10નાં મોત, 508 સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા ૫૦૮ થઈ ગઈ છે, જ્યારે ૧૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૦૧ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. ૨૩ વર્ષની સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પૂરી રીતે લૉકડાઉનની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ એક દરદીનું મોત નીપજ્યાની ખબર સામે આવી છે. મુંબઈમાં મંગળવારે એક કોરોના સંક્રમિતની મોત થઈ ગઈ છે. આની સાથે દેશમાં આ વાઇરસને કારણે મરનારની સંખ્યા ૧૦ થઈ ગઈ છે. કોરોનાના આંધ્ર પ્રદેશમાં ૭, બિહારમાં ૨, છત્તીસગઢમાં એક, ચંડીગઢમાં ૬, દિલ્હીમાં ૨૯, ગુજરાતમાં ૩૩, હરિયાણામાં ૨૬, હિમાચલ પ્રદેશમાં ૨, જમ્મુ-કાશ્મીરમાં ૪, કર્ણાટકમાં ૩૩, કેરળમાં ૯૫, લદ્દાખમાં ૧૩, મધ્ય પ્રદેશમાં ૬, મહારાષ્ટ્રમાં ૧૦૧, ઓડિશામાં ૨, પોંડીચેરીમાં એક, પંજાબમાં ૨૩, રાજસ્થાનમાં ૩૨, તામિલનાડુમાં ૧૨, તેલંગણમાં ૩૩, ઉત્તર પ્રદેશમાં ૩૩, ઉત્તરાખંડમાં ૫ અને પશ્ચિમ બંગાળમાં ૭ કેસો નોંધાયા છે. એમાંથી ૧૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૪૪ લોકો સાજા થઈને ઘર જતા રહ્યા છે.

પાંચ રાજ્યોમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. દેશભરમાં લૉકડાઉન અને કરફ્યુ લાગુ કરવા માટે પોલીસ રસ્તાઓ પર છે. પોલીસ બૅરિકેડિંગ કરીને માત્ર જરૂરી કામો માટે લોકોને અવરજવર કરવા માટેની મંજૂરી આપી રહી છે. દિલ્હીમાં સોમવારે લૉકડાઉનના પહેલા દિવસે ઉલ્લંઘન કરવા પર ૧૦૧૨ લોકો પર કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્ર પ્રદેશ સરકારે કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોનાં ઘરે-ઘરે જઈને તપાસ કરશે.

ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશાએ એનાં ઘણાં શહેરોને લૉકડાઉન કર્યાં છે. દેશના ૫૭૭ જિલ્લા આ દાયરામાં આવે છે. સાથે જ મહારાષ્ટ્ર, પંજાબ, પોંડિચેરી અને રાજસ્થાનમાં કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને જબલપુરમાં સોમવારે અડધી રાતથી કરફ્યુ લાગુ કરી દેવાયો છે.

નવા બાવીસ કેસ નોંધાવાની સાથે જો ઍક્ટિવ કેસ (હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરદી) ૪૪૬ છે. ૩૬ લોકો સાજા થઈ જતાં તેઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ૨૩ માર્ચે કહ્યું હતું કે આજે અડધી રાતથી પૂરા રાજ્યમાં કરફ્યુ લગાવવામાં આવશે, કારણ કે કોરોના વાઇરસ વિરુદ્ધ મુકાબલો મહત્વના પડાવ પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં ૨૪ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ સામે આવ્યો નથી. અહીં કોરોના વાઇરસના કુલ ૩૦ કેસ છે જેમાંથી પાંચ દરદી સાજા થઈ ઘરે જઈ ચૂક્યા છે, જ્યારે એક મહિલા દરદીનું મોત થયું હતું. દિલ્હીમાં ૧૧૭ શંકાસ્પદ કેસ પણ હૉસ્પિટલમાં દાખલ છે.

national news new delhi coronavirus covid19