દેશભરમાં પહોંચી કોરાનાની વૅક્સિન

13 January, 2021 07:21 AM IST  |  Pune/Delhi | Agency

દેશભરમાં પહોંચી કોરાનાની વૅક્સિન

ગઈ કાલે પુ​ણેથી રસીનો પહેલો જથ્થો લઈને દિલ્હી આવેલી ફ્લાઇટ્સ.

આગામી ૧૬ જાન્યુઆરીથી કોરોના પ્રતિકાર માટે દેશવ્યાપી અભિયાનની તૈયારી પુરજોશમાં શરૂ થઈ ચૂકી છે. અનેક રાજ્યોમાં ડ્રાય રનના વિવિધ તબક્કાની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદિત કોવિશીલ્ડ રસીનો પ્રથમ જથ્થો ગઈ કાલે સવારે પુણેથી ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યો હતો.

મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સુરિએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વૅક્સિન્સના જથ્થા દેશમાં જુદા-જુદા ઠેકાણે પહોંચાડવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈ કાલે ચાર ઍરલાઇન્સની નવ ફ્લાઇટ્સ દ્વારા વૅક્સિનના ૫૬.૫ લાખ ડોઝ ૧૩ શહેરોમાં પહોંચાડવામાં આવ્યા હતા. હરદીપ સુરિએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘ઑક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની ઍસ્ટ્રોઝેનેકાએ વિકસાવેલી રસી કોવિશીલ્ડના ડોઝના જથ્થાનું પ્રથમ કન્સાઇનમેન્ટ સ્પાઇસજેટ ઍરલાઇનની ફ્લાઇટ દ્વારા રવાના કરવામાં આવ્યું હતું. એમાં કુલ ૧૦૮૮ કિલો વજન ધરાવતા ૩૪ બૉક્સિસ હતા.’
ત્રણ ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ ટ્રક્સ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી ૧૫ કિલોમીટર દૂર ઍરપોર્ટ તરફ જવા રવાના થતાં પૂર્વે પૂજા કરવામાં આવી હતી.

સ્પાઇસ જેટ ઍરલાઇનના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અજય સિંહે જણાવ્યું હતું કે કોરોના વિરોધી વૅક્સિન્સ સાથે ફ્લાઇટ સવારે ૮ વાગ્યે રવાના થઈને ૧૦ વાગ્યે દિલ્હી પહોંચી હતી. ઍર ઇન્ડિયાના વિમાનમાં ૭૦૦ કિલો વજન ધરાવતા ૨,૭૬,૦૦૦ વૅક્સિન ડોઝીસ પુણેથી અમદાવાદ અને ઇન્ડિગો ઍરલાઇન્સની બે અલગ-અલગ ફ્લાઇટ્સમાં ૯૦૦ કિલો વૅક્સિન્સ પુણેથી ચંડીગઢ અને લખનૌ મોકલવામાં આવી હોવાનું સંબંધિત ઍરલાઇન્સ તરફથી જણાવવામાં આવ્યું હતું.

કોને કેટલા ડોઝ મળ્યા?

કલકત્તા ૯,૯૬,૦૦૦
દિલ્હી ૨,૬૪,૦૦૦
ચેન્નઈ ૭,૦૮,૦૦૦
અમદાવાદ ૨,૭૬,૦૦૦
હૈદરાબાદ ૩,૭૨,૦૦૦
વિજયવાડા ૪,૦૮,૦૦૦
ભુવનેશ્વર ૪,૮૦,૦૦૦
ગુવાહાટી ૨,૭૬,૦૦૦
બૅન્ગલોર ૬,૪૮,૦૦૦
પટના ૫,૫૨,૦૦૦
ચંડીગઢ ૨,૨૮,૦૦૦
લખનઉ ૨,૬૪,૦૦૦

national news pune new delhi coronavirus covid19