કૉન્ગ્રેસ-ચીનની ડીલ મામલે સુપ્રીમ કોર્ટનો સવાલ

08 August, 2020 11:03 AM IST  |  New Delhi | Agencies

કૉન્ગ્રેસ-ચીનની ડીલ મામલે સુપ્રીમ કોર્ટનો સવાલ

સુપ્રીમ કોર્ટ

કૉન્ગ્રેસ પાર્ટી અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે થયેલી સમજૂતીને લઈ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ કોઈ રાજકીય પાર્ટી કોઈ સરકાર સાથે સમજૂતી કેવી રીતે કરી શકે તેવો સવાલ કર્યો હતો. જોકે બાદમાં વકીલે તે સમજૂતી બે પાર્ટીઓ વચ્ચેની છે તેવી સ્પષ્ટતા કરી હતી. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસ હાઈ કોર્ટમાં લઈ જવા કહેવામાં આવ્યું છે.

ચીન સાથેના વિવાદ વચ્ચે કૉન્ગ્રેસ પાર્ટી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે થયેલી સમજૂતીની વાત સામે આવી હતી અને ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આજે સુનાવણી દરમ્યાન સીજેઆઇએ કેટલીક વાતો કાયદાકીય રીતે બહુ અલગ છે તેમ કહ્યું હતું અને સાથે જ એક રાજકીય પાર્ટી ચીન સાથેની સમજૂતીમાં કઈ રીતે સામેલ થઈ શકે તેવો સવાલ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે આજ સુધી કદી કોઈ સરકાર અને બીજા દેશની રાજકીય પાર્ટી વચ્ચે સમજૂતી થયાનું સામે નથી આવ્યું.

વકીલ મહેશ જેઠમલાનીએ તે મુદ્દે આ સમજૂતી એક રાજકીય પાર્ટીની અન્ય દેશની રાજકીય પાર્ટી સાથેની છે તેમ કહ્યું હતું. જોકે તેના જવાબમાં ચીફ જસ્ટિસે તમે તમારી અરજીમાં આ વાત નથી કરી તેમ કહ્યું હતું. સાથે જ તેમને પોતાની અરજીમાં ફેરફાર કરવા અને તેને પાછી ખેંચવા તક આપે છે તેમ પણ કહ્યું હતું.

congress china national news supreme court