બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કરી નવી ટીમની ઘોષણા

27 September, 2020 11:53 AM IST  |  New Delhi | Agency

બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કરી નવી ટીમની ઘોષણા

જે. પી. નડ્ડા

બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે પોતાની નવી ટીમની ઘોષણા કરી હતી, જેમાં કેટલાક જૂના ચહેરાઓને યથાવત્ રાખતાં નવા ચહેરાઓનો પણ પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવેશ કરાયો હતો. નવી ટીમમાં આઠ જનરલ સેક્રટેરીની યાદીમાં ભૂપેન્દ્ર યાદવ, અરુણ સિંહ અને કૈલાશ વિજયવર્ગીયને યથાવત્ રાખીને પાંચ નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. રામ માધવ, પી. મુરલીધર રાવ, સરોજ પાંડે અને અનિલ જૈનને બદલે દુષ્યન્ત કુમાર ગૌતમ, ડી. પુરંદરેશ્વરી, સી. ટી. રવિ, તરુણ ચૂગ અને દિલીપ સૈકિયા નવા જનરલ સેક્રેટરી હશે.

બીજેપીની રાષ્ટ્રીય ટીમમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસ અને પશ્ચિમ બંગાળના બીજેપીના ચર્ચિત ચહેરા મુકુલ રોયને નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ તરીકે મોટી જવાબદારી મળી છે. નવી ટીમમાં પ્રવકતાઓની યાદી બહુ લાંબી છે. જેમાં ૨૩ પ્રવક્તાઓને સ્થાન મળ્યું છે. સાંસદ અનિલ બલુનીને મુખ્ય પ્રવકતા બનાવાયા છે. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાને પાર્ટીના યુવા મોરચાના નવા અધ્યક્ષ બનાવાયા છે. તે પૂનમ મહાજનનું સ્થાન લેશે.

મહારાષ્ટ્રમાંથી પાંચ નેતાઓની પંસદગી

બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મહારાષ્ટ્રમાંથી પાંચ નેતાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સેક્રેટરી તરીકે પંકજા મુંડે, વિનોદ તાવડે, સુનીલ દેવધર અને વિજયા રહાટકરની પસંદગી થઈ છે. તો હીના ગાવિતને પ્રવક્તાની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાતમાંથી એકમાત્ર સંસદસભ્યને સ્થાન

ગુજરાત બીજેપીમાંથી એકમાત્ર સંસદસભ્ય ભારતીબેન શિયાળનો સમાવેશ થયો છે. ભારતીબેન ભાવનગર લોકસભા સીટ પરથી સાંસદ છે. તેમના સિવાય ગુજરાતના કોઈ નેતાનો આ ટીમમાં સમાવેશ થયો નથી.

bharatiya janata party national news