રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મંદિરમાં લગાવ્યું ઝાડુ

23 June, 2022 08:47 AM IST  |  Rairangpur | Gujarati Mid-day Correspondent

મળી ઝેડ પ્લસ સુરક્ષા, નંદીના કાનમાં કહી મનોકામના

રાયરંગપુરમાં આવેલા એક મંદિરમાં સફાઈ કરતાં દ્રૌપદી મુર્મુ

એનડીએના રાષ્ટ્રપપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ દિલ્હી જતાં પહેલાં વહેલી પરોઢે ઓડિશાના મયૂરભંજ જિલ્લાના આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા રાયરંગપુર શહેરમાં તેમના વિસ્તારમાં આવેલા એક શિવ મંદિરમાં સફાઈ કરી હતી.

ઝારખંડના ગવર્નરપદેથી નિવૃત્ત થયા બાદ ઑગસ્ટ, ૨૦૨૧માં તેમના વતનના ગામે પાછા ફર્યા બાદ આ તેમનો નિત્યક્રમ હતો, જે તેમણે ગઈ કાલે પણ ચાલુ રાખ્યો હતો.  

સેંકડો સ્થાનિકોએ વહેલી સવારે ૩થી ૪ વાગ્યાની વચ્ચેના સમયમાં લાલ બૉર્ડર ધરાવતી આઇવરી કલરની હૅન્ડલૂમની સાડીમાં તેમને હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતાં જોયાં હતાં.

અન્ય દિવસોની જેમ જ તેમણે સ્નાન બાદ મંદિરમાં પૂજા કરી ભગવાન શિવના વાહન નંદીના કાનમાં પોતાની ઇચ્છા જણાવી હતી. કેન્દ્ર દ્વારા તેમને ઝેડ સુરક્ષા આપ્યા બાદ સેંકડો લોકો હાજર હોવાથી મંદિરને સીઆરપીએફ કમાન્ડોએ કૉર્ડન કર્યું હતું. કમાન્ડોએ ગઈ કાલે વહેલી સવારથી જ ૬૪ વર્ષનાં દ્રૌપદી મુર્મુની સુરક્ષાની જવાબદારી ઉઠાવી હતી. 

national news nda