BJPને બહુમત સાબિત કરવાનો થશે તો NCP મતદાન નહીં કરે

28 October, 2014 03:09 AM IST  | 

BJPને બહુમત સાબિત કરવાનો થશે તો NCP મતદાન નહીં કરે





NCPના પ્રમુખ શરદ પવારે રાજ્યમાં નવી સરકાર રચાવા બાબતે જણાવ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી BJP અને શિવસેના વચ્ચે પડેલું અંતર જોતાં આવતા છ મહિનામાં રાજ્યમાં ફરી ચૂંટણીની શક્યતા નકારી શકાય નહીં. તેથી વિધાનસભામાં BJP જ્યારે વિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે ત્યારે તટસ્થ રહેવાનો નિર્ણય NCPએ લીધો છે.’

જોકે શિવસેના-કૉન્ગ્રેસ-NCPની સરકાર રચવાની દરખાસ્ત આવે ત્યારે એના પર વિચાર કરવાનું ખળભળાટભર્યું વિધાન પણ તેમણે કર્યું હતું.

રાજ્યમાં સરકાર રચવા માટે સહેજમાં બહુમતી ચૂકી ગયેલી BJPને બહારથી બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરીને શિવસેનાને વધુ બૅકફૂટ પર જવાની ફરજ પાડીને BJP માટે ખાસ્સું અનુકૂળ વાતાવરણ તૈયાર કરનારા NCPના નેતા શરદ પવારે એ મુદ્દે તેમનો સૂર બદલતાં જણાવ્યું હતું કે ‘અમે BJPને ટેકો આપ્યો નથી અને વિરોધ પણ કર્યો નથી. સભાગૃહમાં BJPનો બહુમત સિદ્ધ કરવાનો વખત આવશે તો એ માટેના મતદાનમાં NCPના વિધાનસભ્યો ભાગ નહીં લે.’

કૌભાંડના આરોપો ધરાવતા NCPના નેતાઓના બચાવ માટે BJPને શરણે NCP ગઈ હોવાની વાતોનો પણ તેમણે રદિયો આપ્યો હતો. BJP અને NCP વચ્ચે ગુફ્તગૂના પૃથ્વીરાજ ચવાણના આરોપો વિશે તેમણે જણાવ્યું હતું કે ‘પૃથ્વીરાજ ત્રણ વર્ષ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા એ વખતે તેઓ શું કરતા હતા? ઊંઘી ગયા હતા?’

BJPને સત્તાથી દૂર રાખવા માટે NCP અને કૉન્ગ્રેસ શિવસેનાને ટેકો આપશે એવી વાતો સંભળાય છે ત્યારે ખરેખર એવી કોઈ ગોઠવણો ચાલે છે? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘આવા જો અને તો પર આધારિત સવાલોના હું જવાબ આપતો નથી. કેટલાક કૉન્ગ્રેસી નેતાઓને એવું લાગતું હશે, પરંતુ તેમની પાર્ટીનું એવું વલણ હોય એવું મને લાગતું નથી. જો કૉન્ગ્રેસને એવું લાગતું હોય તો પાર્ટીએ જાહેરમાં એ બોલવું જોઈએ. તેમનું વલણ સ્પષ્ટ થાય તો જ આ બાબતે ચર્ચા કરી શકાય. અમે ટેકો આપીએ તો સરકારની રચના માટે બહુમતીનો આંકડો સિદ્ધ થાય એવું મને લાગતું નથી.’