NCPની જાહેરાત : અમે BJPને બહારથી સમર્થન આપીશું

19 October, 2014 10:11 AM IST  | 

NCPની જાહેરાત : અમે BJPને બહારથી સમર્થન આપીશું




મુંબઈ : તા, 19 ઓક્ટોબર

એનસીપીની આ જાહેરાત સાથે જ મહારાષ્ટ્રની સાથો સાથ દેશની રાજનીતિમાં અચાનક જ અણધાર્યો ગરમાટો આવી ગયો હતો.

એનસીપીના નેતા પ્રફુલ પટેલે સ્થિતિ પારખી મહારાષ્ટ્રને સ્થિર સરકાર મળે તે હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીને બહારથી સમર્થન આપીશું એ પ્રકારની જાહેરાત કરી દીધી હતી. એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ પ્રફુલ પટેલે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં શરદ પવાર, પ્રફુલ પટેલ, ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવાર, સુપ્રિયા સુળે સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.

જોકે ભાજપે આ બાબતે હજી મોઘમ સેવ્યું છે. આજે સાંજે મળનારી પાર્લામેન્ટરી બોર્ડમાં આ અંગેનો નિર્ણય લેવાશે તેવો હવાલો આપી આ અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે. જ્યારે બીજી બાજુ ભૂતપૂર્વ સાથી પક્ષ શિવસેનાએ પણ કૂણું વલણ અપનાવ્યું હતું અને જો ભાજપ ઈચ્છે તો તેને અમે સમર્થન આપીશું તેમ જણાવ્યું હતું. જોકે આ માટે શિવસેનાએ કેટલીક શરતો જરૂર મુકી હતી.

પંચકોણીય જંગ બાદ હવે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમત પણ ન મળતા ટેકા વાળી સરકાર જ બનશે તે નિશ્ચિત છે. ભાજપ સૌથી મોટી પાટી બની છે. તેવામાં ભાજપના કટ્ટર વિરોધી એવી એનસીપીએ જ ભાજપને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી છે તેવામાં ભાજપનું આગામી વલણ કેવું હશે તે હોવાનું વધુ રસપ્રદ રહેશે.