નવરાત્રીના ઉપવાસ દરમિયાન કરવાના છો પ્રવાસ? તો રેલવેની આ સેવા કરશે તમને ચિંતામુક્ત

20 September, 2022 04:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નવરાત્રીમાં આઇઆરસીટીસી પીરસશે સ્પેશ્યલ `વ્રત થાળી’

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રી (Navratri)ને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભારતીય રેલવે (Indian Railway)એ પણ આ તહેવારને ખાસ બનાવવાની વિશેષ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રીના ઉપવાસ કરીને ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ભોજનમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે રેલવેએ સ્પેશ્યલ ‘વ્રત થાળી’ તૈયાર કરી છે. રેલવેએ વિશેષ મેનૂ પણ બનાવ્યું છે.

નવરાત્રી દરમિયાન રેલવેના મુસાફરો માટે ટ્રેનોમાં વિશેષ `વ્રત થાળી` ઉપલબ્ધ રહેશે. ઉપવાસની થાળી દેશભરના ૪૦૦ રેલવે સ્ટેશનો પર મળશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન - આઇઆરસીટીસી (Indian Railway Catering and Tourism Corporation - IRCTC)એ આ થાળીને ‘નવરાત્રી કી થાલી’ નામ આપ્યું છે. આ થાળી મંગાવવા માટે પેસેન્જરે ૧૩૨૩ પર કૉલ કરીને બુકિંગ કરાવવું પડશે. પછી થોડા સમય બાદ એક સ્વચ્છ ફાસ્ટનિંગ પ્લેટ તમારી સીટ પર પહોંચાડવામાં આવશે. ગયા વર્ષે પણ રેલવેએ પ્રવાસીઓને આ પ્રકારની સુવિધા આપી હતી.

IRCTCના પીઆરઓ આનંદ કુમાર ઝાએ કહ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘણા મુસાફરોને ખાવા-પિવાની ચિંતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ફાસ્ટ સ્પેશ્યલ થાળીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માંગ પ્રમાણે આ વ્યવસ્થા આગળ પણ ચાલુ રાખી શકાશે.

શું હશે થાળીમાં?

૯૯ રુપિયામાં – ફળ, ઉપવાસના ભજીયા, દહીં

૯૯ રુપિયામાં – બે પરાઠા, બેટટાંની કઢી, સાબુદાણાની ખીર

૧૯૯ રુપિયામાં – ચાર પરાઠા, ત્રણ શાક, સાબુદાણા ખીચડી

તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે રેલવેએ પ્રવાસીઓને વ્રત થાળી પીરસી હોય. આ સુવિધા ગત વર્ષથી ચાલુ કરવામાં આવી છે. રેલવેને આશા છે કે, કોરોના મહામારી બાદ બે વર્ષ પછી નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે રેલવેની આ સુવિધાને લોકોનો સારો પ્રતિસાદ મળશે.

national news indian railways navratri