આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા નવીન જયહિન્દનો ચોંકાવનારો દાવો

06 April, 2026 11:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાઘવ ચઢ્ઢાને અરવિંદ કેજરીવાલના શીશમહલમાં મુર્ગો બનાવીને પીટવામાં આવ્યા હતા, આંખમાં ઈજા થઈ હતી

રાઘવ ચઢ્ઢા અને નવીન જયહિન્દ

આમ આદમી પાર્ટી (AAP)ના હરિયાણાના ભૂતપૂર્વ નેતા નવીન જયહિન્દે એક ચોંકાવનારો દાવો કર્યો હતો કે રાઘવ ચઢ્ઢાને AAPના વડા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન એવા કુખ્યાત શીશમહલમાં મુર્ગો બનાવીને માર મારવામાં આવ્યો હતો એટલે તેમને આંખમાં ઈજા પણ થઈ હતી અને તેઓ સારવાર માટે ઇંગ્લૅન્ડ ગયા હતા.
આ દાવો AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતાપદેથી દૂર કર્યા પછી આવ્યો છે. 

નવીન જયહિન્દે એક વિડિયો-સ્ટેટમેન્ટમાં રાઘવ ચઢ્ઢાને એક ધનવાન વ્યક્તિ ગણાવી હતી અને ઉમેર્યું હતું કે તેમને અરવિંદ કેજરીવાલના શીશમહલમાં બોલાવીને મુર્ગા બનાવવામાં આવ્યા હતા અને પીટવામાં આવ્યા હતા. તેઓ આ વાત લોકોને કેમ જણાવતા નથી? રાઘવ ચઢ્ઢાને આંખમાં ઈજા થઈ હતી અને તેમને આંખની સારવાર માટે ઇંગ્લૅન્ડ જવું પડ્યું હતું.  

આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ઐસે ટાઇમ પે જબ સૈલાબ આયા થા તો રોતે હુએ ઉનકો આંખ મેં ચોટ લગી થી, ઔર ફિર ઇંગ્લૅન્ડ મેં જાકે અપની આંખ ઠીક કરવાની પડીથી, ક્યૂં નહીં બતાતે વો બાત? 

પાર્ટીમાં લેનદેનના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘સુટકેસની સંખ્યા અને થયેલા વ્યવહારોની સંખ્યા જણાવો. તમે રાજ્યસભામાં છો. તમે આટલું બધું બોલો છો. તમે આ વિશે કેમ નથી બોલતા? તમને જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર રહેલા તે ૪ લોકોનાં નામ જણાવો અને તમારા વ્યવહારો વિશે પૂછપરછ કરવામાં આવી રહી હતી એની વાત કરો.’

તેમણે વધુમાં દાવો કર્યો કે રાઘવ ચઢ્ઢા નિવાસસ્થાને રડતા રહ્યા, પરંતુ કોઈએ તેમને ટેકો આપ્યો નહીં.

સ્વાતિ માલીવાલ જેવી ​​હિંમત બતાવવાનો પડકાર

સંસદસભ્ય સ્વાતિ માલીવાલના સ્પષ્ટ સંદર્ભમાં નવીન જયહિન્દે કહ્યું હતું કે એક મહિલા સંસદસભ્યમાં રાઘવ ચઢ્ઢા કરતાં વધુ હિંમત હતી, જેણે જનતાને કહ્યું હતું કે મને માર મારવામાં આવ્યો છે. તમે પણ થોડી હિંમત બતાવો, રાઘવ. રાઘવ નામનો અર્થ તને ખબર છે?

૨૦૨૪માં સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને તેમના નજીકના સહાયક બિભવ કુમાર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેને ઘણી થપ્પડ મારવામાં આવી હતી અને છાતી અને પેટના ભાગમાં લાતો મારવામાં આવી હતી.

national news india delhi news aam aadmi party political news raghav chadha arvind kejriwal indian politics