રાજકોટનો જગવિખ્યાત સોળંગો રાસ

24 October, 2012 07:02 AM IST  | 

રાજકોટનો જગવિખ્યાત સોળંગો રાસ



રાજકોટના જંક્શન પ્લૉટ વિસ્તારમાં થતી અને જંક્શનની ગરબી તરીકે ફેમસ થયેલી નવદુર્ગા ગરબી મંડળનો સોળંગો રાસ કલાની દૃષ્ટિએ કદાચ દેશઆખાનો સૌથી અઘરો અને આકરો રાસ હશે એવું માની શકાય, કારણ કે આ રાસમાં સોળ બાળાઓ રાસ રમવા માટે સ્ટેજ પર આવે છે ત્યારે તેમના હાથમાં સાદા દોરડા હોય છે, પણ સાડાચાર મિનિટના રાસને અંતે આ દોરડાંઓ એવી રીતે ગૂંથાઈ જાય છે કે એમાંથી એક હીંચકો બની જાય છે જેના પર બેસીને કૃષ્ણ બનેલી બાળા મટકી ફોડે છે. ગરબી મંડળના આયોજક ભીખુભાઈ રાચ્છ કહે છે, ‘સત્તર વર્ષ પહેલાં આ રાસ અમે ડિઝાઇન કર્યો હતો. આ રાસની કોરિયોગ્રાફી બહુ અઘરી છે. સોળેસોળ બાળાએ એકસરખાં સ્ટેપ લેવાં પડે. જો કોઈ ભૂલ કરે તો દોરડું ગૂંથાવાને બદલે ગૂંચવાઈ જાય અને હીંચકો ન બને. જો એવું થાય તો પબ્લિક વચ્ચે ફિયાસ્કો થઈ જાય. જોકે આવું હજી સુધી એક પણ વાર બન્યું નથી.’

સોળંગો રાસ આમ તો કૃષ્ણ અને ગોપીઓનો રાસ છે. આ રાસમાં ગોપીઓ રમે છે અને રમતાં-રમતાં બનાવેલા હીંચકામાં બેસીને કાનો મટકી ફોડે છે. સહેજે વિચાર આવે કે મા દુર્ગાની ગરબીમાં કાના અને ગોપીની વાત ક્યાંથી આવે? ભીખુભાઈ રાચ્છ સમજાવે છે, ‘આ રાસમાં માતાજીની વાત નથી પણ ગોપીઓની વાત છે. ગોપીઓ સગવડ કરી આપે છે એટલે કાનો મટકી સુધી પહોંચે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે નારીશક્તિ વિના પુરુષો અધૂરા છે એટલે નારીશક્તિને માન આપવું જોઈએ.’

નવદુર્ગા ગરબી મંડળનો સોળંગો રાસ જગવિખ્યાત થયો છે. રાષ્ટ્રપતિભવનથી માંડીને વાઇબ્રન્ટ ગુજરાતના ફંક્શનમાં આ રાસ રજૂ થઈ ચૂક્યો છે. સંજય લીલા ભણસાલી અને ફારાહ ખાને પણ સોળંગો રાસ જોયો છે. સોળંગો રાસ શીખવા માટે દેશભરનાં નવરાત્રિ મંડળોના કોરિયોગ્રાફર રાજકોટ આવી ગયા છે, પણ ગરબી મંડળના આયોજક આ રાસ કોઈને શીખવવા તૈયાર નથી. ભીખુભાઈ કહે છે, ‘બાળાઓના આ કૌવતને અમે તેમના પૂરતું સીમિત રાખવા માગીએ છીએ. અમારી ઇચ્છા છે કે આ રાસ જોવા માટે લોકો રાજકોટ જ આવે અને એટલે અમે આ રાસનાં સ્ટેપ્સ અને રાસ દરમ્યાન હીંચકો કેવી રીતે બને છે એ ટેક્નિક કોઈને શીખવી નથી.’

- તસવીરો : ચિરાગ ચોટલિયા