મુલુંડની સોસાયટીમાં રમાય છે અનોખો ગોફ રાસ

24 October, 2012 07:08 AM IST  | 

મુલુંડની સોસાયટીમાં રમાય છે અનોખો ગોફ રાસ



પલ્લવી આચાર્ય

મુલુંડ (વેસ્ટ)માં જવાહરલાલ નેહરુ રોડ પર આવેલી શ્રી ગણેશ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ખેલૈયાઓ નવરાત્રિમાં ૨૦૦ વર્ષ જૂનો ગોફ રાસ રમે છે. ગોફ રાસ એટલે ૨૦, ૨૨ કે ૨૪ કે બેકી સંખ્યાની વધુમાં વધુ ૩૦ સાડીઓને એક છેડેથી એકઠી કરી મંડપની મધ્યમાં ઉપર બાંધી લટકાવવાની. જેટલી સાડી છે એટલી વ્યક્તિઓ આ રાસમાં સામેલ થાય અને દરેકના હાથમાં સાડીનો બીજો છેડો આપવાનો. આટલું પત્યા પછી આ ત્રીસે જણ એવી રીતે રમે કે સાડીઓ ભેગી ચોટલાની જેમ ગૂંથાય. આખો ચોટલો ગૂંથાઈ ગયા પછી એવી રીતે રમવાનું કે ગૂંથાયેલો ચોટલો ઊકલી જાય. આ છે ગોફ રાસ.

સોસાયટીના સભ્ય યોગેશ ફુરિયા અને તેમનાં પત્ની ડૉ. ચારુલ શાહને ગરબા રમવાનો બહુ શોખ છે એટલું જ નહીં, તેમને કંઈક નવું કરવું હતું. ચારુલનાં મુલુંડમાં રહેતાં મમ્મી મોંઘીબહેન સાવલાએ એક વાર ચારુલને કહ્યું કે અમે નવરાત્રિમાં જેવા ગરબા કરતાં હતાં એવા તો અત્યારે કોઈ કરતું જ નથી. તેમણે ચારુલને ગોફ રાસ શીખવ્યો અને હવે ચારુલ તેમની સોસાયટીના લોકોને શીખવી રહી છે. લગભગ ત્રણ વર્ષથી તેઓ તેમની સોસાયટીમાં આ રાસ કરી રહ્યાં છે. યોગેશ ફુરિયાનું કહેવું છે કે આ રાસ સ્ત્રી-પુરુષો સાથે મળીને રમે છે અને એ ઐક્યનો સંદેશ આપે છે. સાડીની જેમ લોકોએ લાગણીથી એકબીજામાં ગૂંથાવાનો શુભ સંદેશ એમાં છે. તેમના મતે તેમના સિવાય આવો રાસ બીજે ક્યાંય નથી થતો. આજે દશેરાના દિવસે તેઓ મુલુંડના મૉર્ફોસિસ નવરાત્રિ ઉત્સવમાં આ રાસ કરવાના છે.

આ સોસાયટીમાં ૨૦ વર્ષથી નવરાત્રિ થાય છે, જેમાં આબાલવૃદ્ધ સૌ ગરબા રમે છે. અહીં આરતી પછી પહેલાં ટિપિકલ કચ્છી ડાન્સ મટુકડી રમાય છે અને એ પછી જે રમવું હોય એ લોકો રમે છે. અહીં મહિલાઓ હાથમાં થાળી લઈને થાળી-ડાન્સ પણ કરે છે.

તસવીર : શ્રીકાંત ખુપેરકર