ગરબામાં ગન્ગનમ

16 October, 2012 08:41 AM IST  | 

ગરબામાં ગન્ગનમ



યુટ્યુબ પર જેને રેકૉર્ડબ્રેક લાઇક્સ મળી છે એ કોરિયન ડાન્સ ગન્ગનમ ક્રિસ ગેઇલે T20 ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન કર્યો એ પછી વધુ ફેમસ થઈ ગયો. આ ડાન્સનું ઘેલું આખી દુનિયાના લોકોને લાગ્યું છે. મુંબઇમાં પણ એનો ક્રેઝ એટલી હદે છે કે નવરાત્રિમાં દાંડિયા રમતા ખેલૈયાઓ હવે ગન્ગનમ ડાન્સનાં સ્ટેપ્સને ગરબાનાં સ્ટેપ્સ સાથે લઈને રમતા જોવા મળશે. આ વખતે નવરાત્રિના ગ્રાઉન્ડમાં ગન્ગનમ ડાન્સ છવાઈ જાય તો કહેવાય નહીં.

ઘાટકોપરમાં રાજાવાડી એરિયાની બાલ્કન-જી-બારી નામની સંસ્થામાં બાવીસ વર્ષથી નવરાત્રિ દરમ્યાન ગરબા શીખવતા રાજેશ જોશીએ તેમના ક્લાસમાં આવતા સ્ટુડન્ટ્સને ગયા વરસે ખીચડી નામનું નવું સ્ટેપ શીખવ્યું હતું તો આ વરસે શીખવ્યું છે ગન્ગનમ સ્ટેપ. આ સંદર્ભમાં રાજેશ જોશી કહે છે, ‘ક્રિસ ગેઇલે T20માં જે ગન્ગનમ ડાન્સ કર્યો એને યુટ્યુબ પર અત્યાર સુધીમાં સૌથી વધુ લાઇક્સ મળી અને એ હિટ થયો એટલે અમે પણ એ ડાન્સ ખેલૈયાઓને શીખવ્યો છે. જમણો હાથ ઉપર, ડાબા હાથને શોલ્ડરથી ક્રૉસ રાખી, લેફ્ટ-રાઇટ પગ પર જમ્પ સાથેના ગન્ગનમનાં મૂળ સ્ટેપ્સમાં થોડો બદલાવ કરીને અમે ગરબામાં ઢાYયાં. ગરબાના રિધમ સાથે તાલ મિલાવવા એમાં બે ગોળ સર્કલ ઍડ કર્યા અને મૂવમેન્ટને લાંબી કરી છે. સેવન કાઉન્ટનું આ સ્ટેપ યંગસ્ટર્સને વધુ ગમે છે.’

ગન્ગનમ અને ગરબાનું ફ્યુઝન કેવું હશે એની મજા તો ખેલૈયાઓને રમતાં જોઈને જ લઈ શકાશે. રાજેશ જોશીના ગરબા ક્લાસમાં ૧૨૦ સ્ટુડન્ટ્સ ગન્ગનમ સ્ટેપ્સ શીખી ગયા છે. આ સ્ટેપ્સ શીખનારાઓ માત્ર જુવાનિયાઓ જ છે એવું નથી, છ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના લોકો આ ડાન્સ શીખ્યા છે. રાજેશના ક્લાસ ૧ ઑક્ટોબરથી ૧૩ ઑક્ટોબર સુધી હતા. રાજેશ કહે છે, ‘અગાઉ પ્રોફેશનલ નવરાત્રિઓમાં પણ સિમ્પલ દાંડિયા અને તાળીઓથી રમાતું હતું, જાત-જાતનાં સ્ટેપ્સનો કોઈ ટ્રેન્ડ જ નહોતો. પ્રોફેશનલ નવરાત્રિઓમાં રમવા માટેની ટ્રેઇનિંગ હવે તો જરૂરી બની ગઈ છે. ગરબા, લહેરિયું , ત્રિકોણિયું, પોપટિયું, ગડદો, જાંઝ, ખીચડી સ્ટેપ્સ રમાય છે અને આ વખતે ગન્ગનમ રમાશે. પોપટિયું સ્ટેપ્સ તો અમારું જ ઇન્વેન્શન છે.’

રાજેશ જોશીની ૧૬ વર્ષની દીકરી મૈત્રીને આઇડિયા આવ્યો કે ગન્ગનમ સ્ટેપ્સ આ વખતે ખેલૈયાઓ માટે તૈયાર કરવાં જોઈએ. તેણે રાજેશ જોશી સાથે મળી એ ફ્યુઝન તૈયાર કર્યું તો લોકોને ફાવી પણ ગયું અને ગમી પણ ગયું. આ લોકોનું માનવું છે કે યંગસ્ટર્સમાં આ ડાન્સ બહુ ફેમસ છે તેથી નવરાત્રિ રમતા ખેલૈયાઓ આ વખતે એને વધુ પ્રિફર કરશે.

ગન્ગનમ શું છે?

ગન્ગનમ વાસ્તવમાં સાઉથ કોરિયાના સૉલનો એક જિલ્લો છે. પીએસ વાય નામે સ્ટેજ-શો કરતા આ ડિસ્ટ્રિક્ટના સિન્ગર, સૉન્ગ-રાઇટર, રૅપર અને ડાન્સરે ગન્ગનમ નામે એક પૉપ મ્યુઝિક વિડિયો બનાવ્યો અને યુટ્યુબ પર મૂક્યો તો એને દુનિયામાં સૌથી વધુ લાઇક્સ મળી. ગન્ગનમ એક ડાન્સ મૂવ છે જે થોડો ફની પણ છે.