બાળાના માથા પર ટ્યુબલાઇટ ફૂટે અને જોનારાના મોઢેથી અરેરાટી નીકળી જાય

24 October, 2012 07:14 AM IST  | 

બાળાના માથા પર ટ્યુબલાઇટ ફૂટે અને જોનારાના મોઢેથી અરેરાટી નીકળી જાય



રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં આવેલા શક્તિ ગરબી મંડળ દ્વારા થતા ‘અસુર રાસ’ દરમ્યાન બાળાઓના માથા પર ટ્યુબલાઇટ ફોડવામાં આવે છે. છેલ્લાં અઢાર વર્ષથી થતા આ રાસને અટકાવવા માટે આ વિસ્તારના કેટલાક લોકો ચાર વર્ષ પહેલાં કોર્ટમાં પણ ગયા હતાં, પણ શક્તિ ગરબી મંડળ દ્વારા કરવામાં આવેલી દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટે મનાઈહુકમ આપવાની ના પાડી દીધી હતી. શક્તિ ગરબી મંડળના આયોજક હરસુરભાઈ ચૌહાણ કહે છે, ‘નવરાત્રિ માત્ર આરાધનાનો જ નહીં, આસુરી શક્તિનો નાશ કરવાનો તહેવાર પણ છે. અમે આ આસુરી શક્તિનો નાશ કરવાના પ્રતીકરૂપે રાસ તૈયાર કર્યો છે. કોર્ટમાં દલીલ કરવામાં આવી ત્યારે અમે મુસ્લિમોના તાજિયા વખતે નીકળતા જુલૂસમાં કરવામાં આવતા અલગ-અલગ દાવની દલીલ રજૂ કરી હતી, જે માન્ય રાખીને અમારો આ રાસ ચાલુ રાખવામાં આવ્યો.’

અસુર રાસમાં આઠ બાળાઓ હોય છે, જે ટ્યુબલાઇટ સાથે રાસ રમે છે. રાસના અંત ભાગમાં આ આઠ બાળાઓમાંથી ચાર બાળાના માથે બાકીની ચાર બાળાઓ પોતાના હાથમાં રહેલી ટ્યુબલાઇટ ફોડે છે. આ ઉપરાંત નવરાત્રિનો આ રાસ જોવા આવેલા પ્રેક્ષકો દ્વારા આપવામાં આવતી ટ્યુબલાઇટ પણ ફોડવામાં આવે છે. હરસુરભાઈ કહે છે, ‘જેના ઘરમાં લાંબા સમયથી બીમારી હોય એ લોકો નવરાત્રિમાં માનતા પણ રાખે છે અને માનતા પૂરી થાય એટલે ગરબી મંડળમાં ટ્યુબલાઇટ ધરાવે છે, જે અસુર રાસ દરમ્યાન બાલાના માથા પર ફોડી નાખવામાં આવે છે.’

અનેક વાર એવું બન્યું છે કે સાડાચાર મિનિટ ચાલનારો આ રાસ માનતાની ટ્યુબલાઇટ ફોડતાં-ફોડતાં છેક એક કલાક ચાલ્યો હોય.

- તસવીર : ચિરાગ ચોટલિયા