શક્તિ સાથે શિવની આરાધના

24 October, 2012 07:00 AM IST  | 

શક્તિ સાથે શિવની આરાધના



ગોરેગામ (વેસ્ટ)માં એમ. જી. રોડ પર આવેલી શ્રીનગર સોસાયટીમાં નવરાત્રિ થોડા નોખા અંદાજમાં એ રીતે ઊજવાય છે કે તેઓ માતાજીના ગરબા, આરતી અને પૂજન વગેરે સાથે નવરાત્રિ તો ઊજવે જ છે, ઉપરાંત સોસાયટીના કમ્પાઉન્ડમાં માતાજીના કોઈ એક સ્વરૂપની મોટી પ્રતિમા બનાવી દર્શન માટે મૂકે છે અને નવેનવ દિવસ એની પૂજા કરે છે. ગયા વરસે તેમણે વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ બનાવી હતી. આ વખતે ૨૫ હજાર પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરીને ૧૧ ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે. નવરાત્રિમાં શિવની આરાધના? જવાબમાં સોસાયટીના સભ્ય ચેતન ભટ્ટ કહે છે, ‘શક્તિ અને શિવ એક સ્વરૂપ છે, એથી આ વખતે અમે શિવલિંગ બનાવ્યું છે, જ્યાં રોજ રુદ્રાભિષેક થાય છે. અષ્ટમીના દિવસે સવારે આઠ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી લઘુરુદ્ર કરવામાં આવ્યો હતો. આજે દશેરાના દિવસે મૂર્તિવિસર્જન પછી શિવલિંગના આ બધા જ રુદ્રાક્ષ સોસોયટીના લોકોને પ્રસાદમાં વહેંચી દેવાશે. અહીંના નવરાત્રિ મહોત્સવને ૫૯મું વરસ છે. ફ્રેન્ડ્સ ક્લબ આયોજિત આ નવરાત્રિમાં આજે પણ લોકો ચંપલ પર્હેયા વિના પારંપરિક રીતે ગરબા રમે છે, માતાના ગરબા અને ગુજરાતી ગીતો જ ગવાય છે, ફિલ્મનું ગીત નથી વગાડાતું અને માતાજીનો ગરબો લેવા જાય ત્યારે અને વળાવે ત્યારે સોસાયટીના ૫૦૦ લોકો સાથે જાય છે. અષ્ટમીએ હવન થાય છે.’