બાળાઓ માતાજી બનીને ઊતરે છે આકાશમાંથી

22 October, 2012 09:49 AM IST  | 

બાળાઓ માતાજી બનીને ઊતરે છે આકાશમાંથી



રશ્મિન શાહ

રાજકોટના રામનાથ પરાવિસ્તારમાં થતી અને ગરુડની ગરબી તરીકે ગુજરાતભરમાં પ્રચલિત થયેલી આ ગરબીમાં દરરોજ કુલ ૧૪ રાસ રમાય છે અને બધા રાસમાં આકાશમાંથી એક ગરુડ આવે છે જેમાં માતાજી બિરાજમાન હોય છે. અહીં લોકો રાસ જોવા કરતાં આકાશમાંથી આવતા ગરુડને જોવા ટોળે વળે છે. દોઢસો ફૂટ ઉપરથી નીચે આવતા આ ગરુડમાં બેઠેલી બાળાઓ ચિચિયારી કરે અને પછી ગરુડ રાસની બરાબર મધ્યમાં આવીને ઊભું રહે. કોઈ જાતની ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યા વિના સાવ દેશી પદ્ધતિથી બનાવવામાં આવેલા આ ગરુડ સાથે હજી સુધી એક પણ દુર્ઘટના નથી બની. ઊલટું છેલ્લાં ત્રીસેક વર્ષથી તો લોકવાયકા પણ શરૂ થઈ છે કે ગરુડની ગરબીના ગરુડમાં બેસતી બાળા એક વર્ષ સુધી બીમાર નથી પડતી. ગરુડની ગરબીના સંચાલક રમેશ ગમારા કહે છે, ‘અત્યાર સુધી તો અમે પણ આ વાત અનુભવી છે. માતાજીના આર્શીવાદને કારણે જ આ શક્ય બને છે.’

આકાશમાંથી ઊતરતા ગરુડમાં બેસવા માટે લોકો તલપાપડ રહેતા, પણ આ ગરુડ માત્ર બાળાઓ માટે હોવાથી તેમણે નિરાશ થવું પડતું. આ જ કારણે છેલ્લાં ત્રણ વર્ષથી ગરબીમાં ન હોય એવી બાળાને પણ ગરુડમાં બેસવાની છૂટ આપવામાં આવે છે, પણ રાસ ચાલુ ન હોય ત્યારે. દર વર્ષે ગરુડની ગરબીના ગરુડમાં અંદાજે ૨૫૦૦ બાળાઓ બેસે છે. રાજકોટના રાજવી પરિવારની આર્થિક સહાયથી ચાલતી આ ગરબી માટે ક્યારેય કોઈ ફાળો ઉઘરાવવામાં કે લેવામાં આવતો નથી. બે વર્ષ પહેલાં કોઈએ ગરબીના નામે ફાળો ઉઘરાવવાનું શરૂ કરતાં ગરુડની ગરબીના સંચાલકોએ આ બાબતની ચોખવટ કરતી જાહેરખબર પણ રાજકોટનાં છાપાંઓમાં આપી હતી.

તસવીરો : ચિરાગ ચોટલિયા