હાથમાં તલવાર અને આંખે પાટા સાથે થતો અગનજ્વાળા રાસ

19 October, 2012 08:58 AM IST  | 

હાથમાં તલવાર અને આંખે પાટા સાથે થતો અગનજ્વાળા રાસ



રશ્મિન શાહ

રાજકોટની સદરબજારમાં આવેલા અંબિકા ગરબી મંડળ દ્વારા દર વર્ષે અગનજ્વાળા રાસ થાય છે. આ રાસમાં બાળાઓની આંખે પાટા બાંધવામાં આવે છે અને પછી તેમના માથે સળગતી ઈંઢોણી અને સળગતો ગરબો મૂકવામાં આવે છે. આટલું ઓછું હોય એમ આ રાસ ચાલતો હોય ત્યારે રાસના વતુર્ળની વચ્ચે-વચ્ચે આગના કોગળા કરતો માણસ પણ આવ્યા કરે. આ રાસ એ હદે જોખમી છે કે રાજકોટનાં ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ગીતા જોહરીએ આ રાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે એ પછી ગરબી મંડળના સંચાલકોની અસરકારક રજૂઆતના કારણે રાસ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો અને રાસ માટે કેટલાક નિયમો બનાવવાની સાથે રાસ નવરાત્રિના નવેનવ દિવસ કરવાને બદલે નવ દિવસમાંથી માત્ર ચાર દિવસ કરવાની પરમિશન આપી જે આયોજકોએ માન્ય રાખી. અંબિકા ગરબી મંડળનાં સંચાલક અલકા પટેલ કહે છે, ‘અમારી ગરબી આ રાસથી જ પ્રખ્યાત હોવાથી અમે આ રાસ તો કોઈ કાળે છોડવા નથી માગતાં. આ રાસ જે દિવસે બંધ થશે એ દિવસે અમે ગરબી બંધ કરી દઈશું.’

અંબિકા ગરબી મંડળ છેલ્લાં બત્રીસ વર્ષથી ગરબી કરી રહ્યું છે. ગરબી મંડળ શરૂ થયું એ દિવસથી આ અગનજ્વાળા રાસ થાય છે. આ વર્ષે ગરબી મંડળમાં બીજા નોરતે આ રાસ થયો હતો; જ્યારે હવે છઠ્ઠા, સાતમા અને આઠમા નોરતે અગનજ્વાળા રાસ થશે. મજાની વાત એ છે કે ગુજરાતની તમામ પ્રાચીન ગરબીઓમાં સૌથી જોખમી રાસ ગણાતા આ અગનજ્વાળા રાસમાં આજ સુધી કોઈ અઘટિત ઘટના બની નથી.

તસવીરો : ચિરાગ ચોટલિયા