મૉડર્ન આઉટ, ગાવઠી ઇન

17 October, 2012 06:51 AM IST  | 

મૉડર્ન આઉટ, ગાવઠી ઇન



અર્પણા ચોટલિયા


ઘાઘરા, ચોળી અને કેડિયામાં દર વર્ષે વધુ નહીં તો કંઈક નવું જોવા મળે જ છે. હવે લોકો પણ સ્માર્ટ બન્યા છે અને આડેધડ ખરીદી કરવાને બદલે પોતાની પસંદને પહેલું પ્રાધાન્ય આપે છે.

થોડા સમય પહેલાં જ્યારે લોકો મૉડર્ન ચણિયા-ચોળી પ્રિફર કરતા થયા ત્યારે તેમણે જૂના ટ્રેડિશનલ વર્કને બાજુએ મૂકી કોડી અને ઊનનાં ફૂમતાંની પસંદગી કરી, પરંતુ હવે ફરી જાણે લોકોને જૂની ચીજની કિંમત સમજાઈ હોય એ રીતે ટ્રેડિશનલ ચીજોની પસંદગી થઈ રહી છે. આ વિશે જણાવતાં ભુલેશ્વરમાં આવેલી મગનલાલ ડ્રેસવાલાના અમિષ ડ્રેસવાલા ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વર્ષે મૉડર્ન સ્ટાઇલના ઘાઘરા કમ્પ્લીટ્લી આઉટ છે. લોકોએ વધુ ને વધુ ગાવઠી ટાઇપની ટ્રેડિશનલ ડિઝાઇનો પસંદ કરી  છે. લોકોને હવે સમજાઈ ગયું છે કે અસલી લુક આ જ ડિઝાઇનોનો છે.’

આ વર્ષે કૉટનના બાટિક પ્રિન્ટવાળા તેમ જ બ્લૉક પ્રિન્ટવાળા ઘાઘરાઓ ઇન છે. પહેલાં પ્લેન રંગબેરંગી પટ્ટાઓની કલી બનાવવામાં આવતી હતી એને બદલે હવે બે કે ત્રણ ડિઝાઇનના ફૅબ્રિકથી બનાવેલો ઘાઘરો વધુ દેખાઈ રહ્યો છે, જેના પર આભલાં તેમ જ કચ્છી વર્કવાળા પૅચ લગાવવામાં આવ્યા છે. આ વિશે અમિષભાઈ કહે છે, ‘ઊનનાં ફૂમતાં અને ટીકલીની બૉર્ડર મૉડર્ન કૉન્સેપ્ટ છે, પણ હવે પરંપરાગત હાથે ભરેલા વર્કની ડિમાન્ડ વધી ગઈ છે. કસ્ટમરો પણ સ્માર્ટ બની ગયા છે અને તેમને શું સારું લાગે છે એ ખબર છે એટલે તેઓ અમારી પાસે સામેથી જ ખૂબ ટ્રેડિશનલ લાગે એવી ચીજોની જ ડિમાન્ડ કરે છે.’

આ વર્ષના નવા ટ્રેન્ડ વિશે વાત કરતાં ભુલેશ્વરની શીતલ આર્ટના હાર્દિક દેવાણી કહે છે, ‘આ વર્ષે સનેડો સ્ટાઇલના ઘાઘરા અને કેડિયાની ડિમાન્ડ છે. આ ઘાઘરા અમ્બ્રેલા ઘેરના હોય છે અને એમાં આખા ગોળાકાર ભાગમાં તોરણ લગાવેલાં હોય છે. કેડિયાની હેમલાઇન પણ આવી જ તોરણવાળી હોય છે. આ સિવાય ફ્રિલવાળા ઘાઘરા પણ લોકો પસંદ કરી રહ્યા છે. મલ્ટિ કલરના વધુ કળીવાળા ઘાઘરા પણ હજી લોકો લઈ રહ્યા છે. એ સિવાય થ્રી-ફોર્થ લેન્ગ્થના ઘાઘરા પણ યુવતીઓને પસંદ પડી રહ્યા છે. આ ઘાઘરા લંબાઈમાં ઓછા હોવાને લીધે પહેરીને રમવામાં આસાની રહે છે.’

નવી-નવી ડિઝાઇનના ચણિયા-ચોળી તમને ભુલેશ્વરમાં ૮૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની રેન્જમાં મળી જશે. આ વર્ષે મોંઘવારીનો માર હોવા છતાં લોકોનો શૉપિંગ કરવાનો ઉત્સાહ એટલો જ છે. એ વિશે અમિષભાઈ કહે છે, ‘તહેવારોમાં શોખ પૂરા કરવાના હોય ત્યારે કોઈને મોંઘવારી નડતી નથી. લોકો તહેવારમાં ખરીદી કરવામાં ક્યારેય પાછળ નથી હટતા.’