જગતભરના ભગવાન જ્યારે આવે છે મા દુર્ગાની આરાધના કરવા

24 October, 2012 07:06 AM IST  | 

જગતભરના ભગવાન જ્યારે આવે છે મા દુર્ગાની આરાધના કરવા

મહાદેવ, નારદ, કૃષ્ણ, વિષ્ણુ, ગણપતિ અને બીજા અનેક ભગવાન મા દુર્ગાની આરાધના માટે ધરતી પર આવે અને દુર્ગાની આરાધના કરે એવી ભાવનાથી ડિઝાઇન કરવામાં આવેલા આ રાસને જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા રહ્યા છે. ભારતમાતા આદર્શ ગરબી મંડળના આયોજક જગદીશચંદ્ર મહેતા કહે છે, ‘મા દુર્ગા સર્વ દેવી-દેવતાઓમાં ઉપર સ્થાન ધરાવે છે. એક સમયે ભગવાનો પણ રાક્ષસોથી ત્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેમણે મા દુર્ગાને વિનંતી કરી હતી અને રાક્ષસોના સંહાર માટે મા દુર્ગા ધરતી પર આવ્યાં હતાં. દુર્ગાની એ જીત પછી બધા ભગવાનો ખૂબ નાચ્યા હતા. એ જ નાચને અમે ગરબીમાં લઈ આવ્યા છીએ.’

ભગવાન રાસ માટે કોઈ પૂર્વતૈયારી કે ખૈલેયાઓને કોઈ ખાસ સ્ટેપ આપવામાં આવતા નથી. આ રાસનું મહત્વ એ છે કે રાસ રમવા આવતા ખૈલેયાઓ ભગવાનનાં વસ્ત્રોમાં આવે છે. બીજી ખાસિયત એ છે કે આ રાસ રમવામાં માત્ર પુરુષો અને છોકરાઓ જ હોય છે. આ રાસ પછી બધા ભગવાન એકસાથે મા દુર્ગાને નમન કરે છે. જગદીશચંદ્ર મહેતા કહે છે, ‘નારીશક્તિનું મહત્વ સમજાવવા માટે આ રાસ સૌથી સર્વશ્રેષ્ઠ છે. કેટલાય લોકોએ આ રાસ જોઈને ગદ્ગદ થઈ જાય છે. અનેક લોકોની આંખમાં આંસુ પણ છલકાઈ જાય છે.’

એવું નથી કે આ રાસ એકલા જામનગરમાં થાય છે. વડોદરાના આજવા ગામના નવદુર્ગા ગરબી મંડળમાં પણ ભગવાન રાસ કરવામાં આવે છે અને સુરતની બાજુમાં આવેલા કડોદરા ગામે પણ ભગવાન રાસનું આ પ્રમાણેનું આયોજન થયું છે.

- તસવીર : વિશ્વાસ ઠક્કર