ડોમ્બિવલીની સ્ટાર કૉલોનીમાં એક જ ટાણે સ્ત્રી અને પુરુષોના સેપરેટ ગરબા

24 October, 2012 07:05 AM IST  | 

ડોમ્બિવલીની સ્ટાર કૉલોનીમાં એક જ ટાણે સ્ત્રી અને પુરુષોના સેપરેટ ગરબા



અલ્પા નિર્મલ

મોટા ચોગાનમાં વચ્ચોવચ માતાજીની પધરામણી કરી જાડી દોરડી વડે રીતસર મેદાનમાં બે ભાગ પાડવામાં આવે છે. એમાં એક બાજુ સ્ત્રીઓ-છોકરીઓ અને બીજી બાજુ પુરુષો-છોકરાઓ એક જ મ્યુઝિકના તાલે રાસગરબા રમે છે.

આ વ્યવસ્થા વિશે મંડળનાં કાર્યકર દક્ષા ઠક્કરે કહે છે, ‘નોરતાંમાં પહેલાં નારીઓ રમે અને ત્યાર પછી નર રમે એ પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા છે જે અમે અહીં જ્યારથી નવરાત્રિ શરૂ કરી છે ત્યારથી શરૂ કરીને જાળવી રાખી છે.’

આજકાલ નવરાત્રિ એટલે યુવાનો માટે ડાન્સ અને ડેટિંગનો ફેસ્ટિવલ બની રહ્યો છે ત્યારે આ બંધનો યોગ્ય છે? એના જવાબમાં ૧૪થી ૨૨ અને ૨૦-૨૫ વર્ષની યુવતીઓનું ગ્રુપ એકસાથે બોલી ઊઠે છે, ‘અમને આ વ્યવસ્થા, બંધનો કે નિયમો નથી લાગતાં. નોરતાં એ નર્મિળ ભાવે માતાજીની ભક્તિ કરવાનું પર્વ છે. એમાં છોકરા-છોકરીઓ જુદાં-જુદાં રમતાં હોવાથી તેમના મનમાં અને અમારા મનમાં ફક્ત ધાર્મિક ભાવ જ રહે છે. વળી અમે પણ મુક્ત મને નાચી શકીએ છીએ.’

 સામા પક્ષે છોકરાઓ અને પુરુષો પણ આ પ્રથાથી ખુશ છે. તેઓ માને છે કે તેમનું ધ્યાન આમ-તેમ નથી જતું અને રમવાનો પૂરેપૂરો આનંદ લઈ શકાય છે તથા મન-હૃદયમાં ફક્ત માતાની છબિ જ રહે છે.

ઢોલ-શરણાઈઓના તાલે કાચા મેદાનમાં રમતા ૪૦૦-૫૦૦ ખેલૈયાઓને જોવા સો-સવાસો જેટલા વડીલો અને અન્ય દર્શકો અહીં આવે છે. તેમના મને આ વ્યવસ્થાથી માતાજીની, ધર્મની અને વડીલોની આમન્યા જળવાય છે. બાકી હવે તો જુવાનિયાઓને મળવાનાં ઘણાં બહાનાંઓ છે ત્યારે ધર્મસ્થાનકો અને ધાર્મિક પ્રવૃત્તિઓને ટાણે હૃદય શુદ્ધ રહે એ જરૂરી છે.

સ્ટાર કૉલોનીમાં કચ્છના માતાના મઢમાં છે એવી જ આશાપુરા માતાની પિંડી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આસો મહિનાની નવરાત્રિની નવલી ૯ રાતોની ઉજવણી ઉપરાંત અહીં નવેનવ દિવસ અખંડ જાપ, આઠમનો યજ્ઞ અને કુંવારિકાઓનો જમણવાર તેમ જ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ભારે ઉમંગથી ઊજવાય છે તેમ જ દશેરાની રાતે થતા વિસર્જન વખતનું જશ્ન્ જોરદાર હોય છે. મુખ્ય મંદિરની ગરબી ઉપરાંત ભાવિકો પોતપોતાના ઘરે પધરાવેલા ગરબા લઈ વાજતે-ગાજતે ડોમ્બિવલીના રેતીબંદરે જાય છે. ત્યાં માતાજીની આરતી કરી, થાળ ધરાવીને ગરબાનું વિસર્જન થાય છે. મંદિરના મુખ્ય ટ્રસ્ટીઓ ચંદુભાઈ ઠક્કર અને કમલેશ ગડા તો આ દિવસ દરમ્યાન કચ્છમાં હોય છે. ત્યાં તેઓ શ્રી આશાપુરા માનાં દર્શને પગપાળા જતા ભાવિકો માટે રસ્તામાં મેડિકલ કૅમ્પ, ચા-નાસ્તા વગેરેની સેવા કરે છે.

જોકે ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમ્યાન ડોમ્બિવલીમાં રહીને અહીંના મંદિરમાં સુંદર ધાર્મિક આયોજનો ગોઠવે છે. તેઓ કહે છે, ‘અમારા મંદિરમાં કચ્છમાં આશાપુરા માતાના મઢમાં જે રીત-પદ્ધતિથી સેવા-અર્ચના થાય છે એ જ રીતે વિધિ-વિધાન કરવામાં આવે છે. એ અંતર્ગત ચૈત્ર મહિનાની આઠમે ૧૫૧ ગોયણીઓ જમાડાય  છે અને તેમને દરેકને બાંધણીની સાડી ભેટ આપવામાં આવે છે. પછી તે તમામ બહેનો માથે બેડું લઈને માતાજીની શોભાયાત્રામાં જોડાય છે. ઢોલ-નગારાં સાથે થતી આ શોભાયાત્રા ડોમ્બિવલીના રાજમાર્ગો પર ફરીને મંદિરમાં પૂરી થયા પછી અહીં મહાપ્રસાદ (ભંડારા) અને ડાયરાનું આયોજન થાય છે. એમાં માતાજીના ૫૦૦૦થી વધુ ભક્તો ભાગ લે છે.’

૨૦૦૭માં સ્થપાયેલા આ મંદિરની દરેક ઉજવણી વિશિષ્ટ હોય છે. એમાંય ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિમાં તો અહીંનો માહોલ ખાસ્સો રંગીન રહે છે.