ભટ્ટવાડીના જલારામ મંદિરની નવરાત્રિમાં રોજ નવા કાર્યક્રમો

19 October, 2012 08:57 AM IST  | 

ભટ્ટવાડીના જલારામ મંદિરની નવરાત્રિમાં રોજ નવા કાર્યક્રમો



પલ્લવી આચાર્ય

ઘાટકોપર (વેસ્ટ)ના ભટ્ટવાડી વિસ્તારમાં વસતા કચ્છી લોહાણાઓનું શ્રી લોહાણા બંધુ મંડળ લગભગ ૫૦ વર્ષથી વધુ સમયથી નવરાત્રિ ઊજવે છે. આ વિસ્તારમાં ૧૯૯૨માં જલારામ મંદિર બન્યું એ પહેલાં મંડપ બાંધીને નવરાત્રિ ઊજવાતી હતી; પણ મંદિર બન્યા પછી એના ચોગાનમાં નવરાત્રિ ઊજવાય છે એટલું જ નહીં, નવેનવ દિવસ રોજ જુદા-જુદા કાર્યક્રમો થાય છે.

ગાયત્રીપાઠ


અહીંના જલારામ મંદિરના ચોગાનમાં પધરાવેલાં માતાજી સમક્ષ નવરાત્રિના નવ દિવસ રોજ બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી ગાયત્રીપાઠ થાય છે. પાઠ રોજ જુદાં-જુદાં મહિલામંડળો કરે છે. પાઠ માટે આ મંડળો ખાસ આવે છે. અહીં દર વર્ષે ચૈત્ર અને આસોની એમ બેય નવરાત્રિમાં નવેનવ દિવસ ગાયત્રીપાઠ થાય છે, જે જુદાં-જુદાં મહિલામંડળો કરે છે.

સવારે પણ આરતી


જલારામ મંદિરમાં રોજ સવારે આઠ વાગ્યે જલારામબાપાની આરતી થાય છે એ સાથે નવરાત્રિના નવ દિવસ રોજ માતાજીની આરતી પણ કરવામાં આવે છે. આમ આ મંડળ માત્ર સાંજે જ નહીં, સવારે પણ માતાજીની આરતી કરે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો

શ્રી લોહાણા બંધુ મંડળ નવરાત્રિની ઉજવણી રોજ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને કરે છે. પહેલા નોરતે ઘટસ્થાપન, માતાજીની આરતી પછી દાંડિયારાસ થયો હતો. બીજા નોરતે જલારામબાપાનાં ભજન, આરતી અને થાળની એક પુસ્તિકાનું લોકાર્પણ થયું હતું. ત્રીજા નોરતે ગુરુવારે કુમારિકાની આરતીસજાવટનો કાર્યક્રમ હતો, જેમાં ચાર વર્ષથી લઈને ૧૬ વર્ષની કુમારિકાઓએ ભાગ લીધો હતો. આજે ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન છે; જેમાં નાનાથી લઈને મોટા, જેને ભાગ લેવો હોય તે લઈ શકે છે. તમામ કાર્યક્રમોમાં કૉમ્પિટિશન થાય છે અને વિજેતાઓને ઇનામ આપવામાં આવે છે. શનિવારે બહેનોના સ્પેશ્યલ ગરબા છે. રવિવારે કપલમાં આરતી છે. સોમવારે માતાજીનો આઠમનો હવન છે. આ બધા જ કાર્યક્રમો રાત્રે નવ વાગ્યા પછી શરૂ થાય છે. એ પહેલાં ગરબાના રાઉન્ડ થાય છે. મંગળવારે રાતે માતાજીના ગરબાનું વિસર્જન હોવાથી ગરબા પત્યા પછી માતાજીને વળાવાશે. દશેરાના દિવસે સવારે બ્રહ્મભોજન છે અને સાંજે ભંડારો છે. આ દિવસે બધા જ લોકો માટે મહાપ્રસાદ હોય છે.   

ગરબા ગવડાવે


અહીં રાત્રે મોડે સુધી ગરબા ચાલે છે. કોઈ સ્પેશ્યલ ઑર્કેસ્ટ્રા નથી હોતું, પણ એ એરિયામાં રહેતા છોકરાઓ જ ઢોલ વગાડે અને ગરબા ગવડાવે છે. ખાસ કરીને ઢોલ સિવિલ એન્જિનિયર થયેલો પ્રીતેશ દાવડા વગાડે છે અને માઇક પરથી મોટા ભાગે ગરબા ગવડાવે છે રમેશ દાવડા. અહીં જેને ગરબા ગવડાવવા હોય તે ગવડાવી શકે છે. રાસ-ગરબા સ્ત્રીઓ અને પુરુષો સાથે રમે છે.