૧૦,૦૦૦ ટ્યુબલાઇટવાળી અનોખી ગરબી

23 October, 2012 07:35 AM IST  | 

૧૦,૦૦૦ ટ્યુબલાઇટવાળી અનોખી ગરબી



જામનગરથી છ કિલોમીટર દૂર આવેલા હાપા નામના ગામમાં છેલ્લાં ચાલીસ વર્ષથી આશાપુરા ગરબી મંડળની ગરબી થાય છે, પણ આખા જામનગર જિલ્લામાં આ ગરબી ‘લાઇટવાળી ગરબી’ના નામે પ્રચલિત છે. આ ગરબીની ખાસિયત એ છે કે અહીં માતાજીના મંદિર માટે જે ગુંબજ અને ગુંબજના પિલર તૈયાર કરવામાં આવે છે એ ગુંબજ અને પિલર બનાવવામાં ખાલી ટ્યુબલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. દસ હજાર પિલરવાળી આ ટ્યુબલાઇટવાળી ગરબી માટે ગરબીના આયોજક રણજિતસિંહ જાડેજા કહે છે, ‘માતાજીના આ પર્વથી લોકોના જીવનમાંથી દુ:ખદર્દ દૂર થાય છે અને સુખનો અજવાસ ફેલાય છે. આ જ ભાવનાથી અમે પ્રકાશને મહત્વ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અમે ગુંબજ અને પિલર બનાવવા માટે પાંચસો ટ્યુબલાઇટ વાપરતા હતા, પણ છેલ્લાં દસ વર્ષથી દસ હજાર ટ્યુબલાઇટનો ઉપયોગ કરીએ છીએ.’

મજાની વાત એ છે કે હાપા ગામમાં આ એક ગરબી સિવાય બીજી કોઈ ગરબી થતી નથી. બીજી ગરબી કરવાથી આગળની ગરબીની મહત્તા ઘટી જાય એવી સંભાવના હોવાથી ગામવાસીઓ જ બીજી ગરબી કરવા માટે તૈયાર નથી થતા. લાઇટવાળી ગરબીમાં રાતે જેવા ગરબા શરૂ થાય કે ગામની સાર્વજનિક લાઇટ બંધ કરી દેવામાં આવે છે. ગામવાસીઓ પણ સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટ બંધ કરવાનું પસંદ કરે છે જેને કારણે હાપા ગામમાં નવરાત્રિમાં રાતના નવથી બાર વાગ્યા સુધી માત્ર માનો મંડપ ઝળહળતો હોય છે. લાઇટવાળી આ ગરબીમાં માનતા માનવાનું પણ માહાત્મ્ય છે જેમાં અહીં માનતા માનનારાઓ આવતી નવરાત્રિએ માતાજીને ટ્યુબલાઇટ ચડાવવાની માનતા માને છે.

તસવીરો : વિશ્વાસ ઠક્કર