નંદીગ્રામમાં મમતાને ટક્કર આપશે સુવેન્દુ અધિકારી

07 March, 2021 09:27 AM IST  |  New Delhi | Agency

નંદીગ્રામમાં મમતાને ટક્કર આપશે સુવેન્દુ અધિકારી

સુવેન્દુ અધિકારી

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે ગઈ કાલે બીજેપીએ ૫૭ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. નંદીગ્રામમાં વર્તમાન વિધાનસભ્ય સુવેન્દુ અધિકારી ચૂંટણી લડશે જ્યાંથી તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)નાં અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. સુવેન્દુ અગાઉ ટીએમસી સરકારમાં પ્રધાનપદે રહી ચૂક્યા છે. આમ નંદીગ્રામમાં સૌથી રસપ્રદ મુકાબલો જોવા મળશે.

પક્ષના જનરલ સેક્રેટરી અરુણ સિંહે ગઈ કાલે નવી દિલ્હીમાં પક્ષની પહેલી યાદી બહાર પાડી હતી. ભૂતપૂર્વ ક્રિકેટર અશોક દિંડા અને ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર ભારતી ઘોષને પણ બીજેપીની ટિકિટ ફાળવવામાં આવી છે. ઉપરાંત ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન નામના સાથી પક્ષને પણ એક ટિકિટ આપવામાં આવી છે. કુલ આઠ પૈકી પહેલા બે તબક્કામાં યોજાનારી ચૂંટણીની ૬૦ બેઠકો પૈકી ૫૭ ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કલકત્તાના બ્રિગેડ પરેડ મેદાનમાં રાજકીય સભાને સંબોધવાના છે.

નંદીગ્રામમાં ટીએમસીમાં એ સમયથી લેફ્ટ સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું, જેને કારણે પક્ષ સત્તા પર આવ્યો હતો. એ વખતે એમના સાથી હતા સુવેન્દુ અધિકારી. સુવેન્દુ અધિકારીએ એવો દાવો પણ કર્યો છે કે પોતે મમતાને ૫૦,૦૦૦ મતથી હરાવશે, અન્યથા રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે.

દિનેશ ‌ત્રિવેદીનો બીજેપીમાં સત્તાવાર પ્રવેશ

તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ના સંસદસભ્ય દિનેશ ત્રિવેદી પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગઈ કાલે બીજેપીમાં જોડાયા હતા. રાજ્યસભામાં તૃણમૂલ કૉન્ગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા દિનેશ ત્રિવેદીએ ગઈ ૧૨ ફેબ્રુઆરીએ હોદ્દા અને પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ ગઈ કાલે નવી દિલ્હીમાં પક્ષપ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલની હાજરીમાં વિધિપૂર્વક બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીમાં જોડાવાની ઔપચારિકતાના પ્રસંગે દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારે માટે આ સોનેરી અવસર છે. હું લાંબા વખતથી આ અવસરની પ્રતિક્ષા કરતો હતો.

national news west bengal kolkata mamata banerjee