આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે

18 February, 2021 09:22 AM IST  |  Mathura | Agency

આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે

મહિલા કેદી શબનમ

અમરોહાની શબનમે ૨૦૦૮માં પ્રેમી સાથે મળી અડચણરૂપ બનેલા પરિવારના ૭ લોકોની કુહાડીથી કાપી હત્યા કરી હતી : નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસીઘરની મુલાકાત લીધી.

મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ-પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની મહિલા શબનમને અપાઈ શકે છે. તેણે એપ્રિલ ૨૦૦૮માં પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ પરિવારના ૭ સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસીઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાંસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમને ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.

જોકે દોષી શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. તે પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિ ભવને તેની અરજીને ફગાવી દીધી હતી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેને ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસીઘર એકમાત્ર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી, જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.

મથુરા જેલમાં ૧૫૦ વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી.

અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ ૨૦૦૮ની ૧૪-૧૫ એપ્રિલ દરમ્યાન થયેલી ઘટનાને કોઈ ભૂલ્યું નથી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, માતા હાશમી, ભાઈ અનીસ અને રશીદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી કતલ કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળું દાબીને હત્યા કરી દીધી હતી. આ લોકો તેમના પ્યારના માર્ગમાં અડચણરૂપ હતાં.

national news mathura uttar pradesh