ભારતીય થિએટર લેજન્ડ ઇબ્રાહિમ અલકાઝીનું 95 વર્ષે હાર્ટ અટેકથી નિધન

04 August, 2020 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય થિએટર લેજન્ડ ઇબ્રાહિમ અલકાઝીનું 95 વર્ષે હાર્ટ અટેકથી નિધન

ઇબ્રાહિમ અલકાઝી

ભારતીય થિયેટરના દિગ્ગજ દિગ્દર્શક અને રંગભૂમિને નવું પરિમાણ આપનારા ઈબ્રાહિમ અલકાઝીનું આજે 94 વર્ષની વયે મૃત્યુ થયું છે. ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ અટેકથી મોત થયું હતું. બૉલીવુડના માધાંતાઓ સાથે કામ કરી ચૂકેલા ઇબ્રાહિમ અલકાઝીએ થિએટરમાં જે યોગદાન આપ્યું હતું તેને પગલે કહી શકાય કે તેમનું જવું એક યુગનો અંત છે.

તેમના પુત્ર  ફૈઝલ અલકાઝીએ તેમના મોતની પુષ્ટિ કરી છે. ઇબ્રાહિમ અલકાજી ભારતમાં થિયેટરમાં એક પ્રકારની નવી ક્રાંતિ લાવવા માટે જાણીતા છે. તેઓ 1940 થી 1950 દરમિયાન મુંબઇના સૌથી લોકપ્રિય થિયેટર કલાકારોમાંના એક હતા. 37 વર્ષની વયે, ઇબ્રાહિમ અલકાઝી દિલ્હી ગયા અને 15 વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ડિરેક્ટર પદે રહ્યા. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં આટલા લાંબા સમય સુધી સેવા આપી ચૂકેલા તે પ્રથમ વ્યક્તિ હતા.

આ સંસ્થામાં રહીને, ઇબ્રાહિમ અલકાઝીએ વિદ્યાર્થીઓ અને કલાકારોને આધુનિક થિએટરની આંટીધૂંટી શીખવી હતી. ઇબ્રાહિમ અલકાઝીએ ગિરીશ કર્નાડના 'તુઘલક', ધરમવીર ભારતીના 'અંધાયુગ' જેવા ઘણાં લોકપ્રિય નાટકો બનાવ્યાં. ઇબ્રાહિમ અલકાઝી એટલે કે નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા અદના કલાકારોના ગુરુ.

તેમના પુત્ર ફૈઝલ અલકાઝીએ જણાવ્યું કે ઇબ્રાહિમ અલકાઝીનું મંગળવારે બપોરે 2.45 વાગ્યે હાર્ટ એટેક બાદ મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલા જ તેને એસ્કોર્ટ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

national news delhi news