દેહરાદૂનથી નવી દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસમાં આગ

14 March, 2021 10:45 AM IST  |  New Delhi/Dehradun | Agency

દેહરાદૂનથી નવી દિલ્હી જતી શતાબ્દી એક્સપ્રેસમાં આગ

શતાબ્દી એક્સપ્રેસમાં આગ

દેહરાદૂન-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસના એક ડબામાં ગઈ કાલે ઉત્તરાખંડમાં રાઇવાલા અને કસરો રેલવે સ્ટેશનની વચ્ચે આગ લાગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનો અહેવાલ મળ્યો હતો. રેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે સવારે દેહરાદૂનથી નવી દિલ્હી જવા રવાના થયેલી દેહરાદૂન-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બપોરે ૧૨.૨૦ના એન્જિનથી આઠમા ડબામાં એટલે કે ટ્રેનના સી-૫ કોચમાં આગ લાગી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે ટ્રેનના ગાર્ડે જણાવ્યા અનુસાર આગનો ભોગ બનેલા ડબાને ટ્રેનમાંથી છૂટો કરવામાં આવ્યો હતો, તમામ મુસાફરો સુરક્ષિત છે તથા ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી છે. સી-૫ કોચના તમામ ૩૫ મુસાફરોને અન્ય ડબામાં લઈ જઈને તેમાં બેસાડવામાં આવ્યા હતા. થોડો સમય બાદ સી-પ કોચના મુસાફરોને લઈને ટ્રેન તેના મુકામે જવા રવાના થઈ હતી.

૮ તીરંદાજો બચી ગયા

આગનો ભોગ બનેલી દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા મધ્ય પ્રદેશના ૮ જુનિયર તીરંદાજોનો ચમત્કારિક બચાવ થયો હતો. તેઓ જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપ માટે દેહરાદૂન જઈ રહ્યા હતા. જોકે, તેમનો બધો સામાન બળી ગયો હતો. નસીબજોગે, એકેય તીરંદાજને ઈજા નહોતી પહોંચી.

national news new delhi dehradun